- એક સમયે એન્જિનયરિંગમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓને રહેતા હતા ઉત્સુક
- જો કે સમય જતા પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ફેરફાર
- ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઓછી થવાની સંભાવના
એક સમય એવો હતો જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હતી અને વિદ્યાર્થીઓમાં કોલેજમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક રહેતા. જો કે હવે સંજોગો બદલાયા છે. હવે એન્જિનયિરંગ ફેકલ્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. આ જ કારણોસર ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઓછી થાય તેવી સંભાવના છે.
શિક્ષણ વિભાગે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેધડ કોલેજોને મંજૂરીઓ આપી દીધી હતી અને બેઠકો પણ એક સમયે ભરાઇ જતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ વર્ષે 50 ટકાથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જેને કારણે કોલેજોને પણ હવે ધીરે ધીરે તાળા વાગી રહ્યા છે. કોલેજોને વિદ્યાર્થીઓ ન મળતા કોલેજો અને કોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ અંગે GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠ જણાવે છે કે, ઇસી, ઇલેકટ્રીકલ અને સિવિલ એન્જિનિયરિંગ અને પાવર ઇલેક્ટ્રીક્સ, ફેબ્રીકેશન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓનો ઝૂકાવ ઘટ્યો છે. તેની સામે સાયબર અને ટેકનોલોજી એન્જીનિયરીગના કોર્સ તરફ વિધાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જેના PG લેવલે કોર્ષ GTU ચલાવી રહ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યામં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની સ્થિતિ કથળી રહી છે. તેને જ કારણે રાજ્યની કોલેજોમાં વિદ્યાર્થીઓ ન મળતા કોલેજ અને કોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે ત્યારે સરકાર આ મામલે વિચારે તે જરૂરી બન્યું છે.
(સંકેત)