- ચૂંટણીમાં દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચનો સંવેદનશીલ નિર્ણય
- આ લોકો તેમના ઘરેથી જ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરી શકશે
- ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 18 લાખ મતદારો મતદાન કરશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી પંચે દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે તેવા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટના વિકલ્પનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે, જેઓ દિવ્યાંગ છે તેમજ જેમની ઉંમર 80 વર્ષથી ઉપર છે. આમ કરવાથી તેઓ 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘરેથી મતદાન કરી શકશે.
મતદારોની વાત કરીએ તો અબડાસા, મોરબી, લિંબડી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકના આશરે 18 લાખ મતદારો છે, જેઓ 3 નવેમ્બરે મતદાન કરવા જશે. ગુજરાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસને 2 શ્રેણીમાં આવતા અંદાજે 50 હજાર મતદારો પાસેથી નોંધણી ફોર્મ મળ્યા છે.
આ અંગે માહિતી આપતા ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ડૉ. એસ મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, અમને 8 મતદારક્ષેત્રમાંથી રજિસ્ટ્રેશન મળ્યા છે, જેમાંથી 13 હજાર દિવ્યાંગોના છે. જેઓ આ સુવિધાનો લાભ મેળવવા માગતા હોય તેમણે અમને જાણ કરવી પડશે અને અમે અમારી ટીમને તેમને ઘરે મોકલીશું કે જેથી તેઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે.
આ 8 મતદાર ક્ષેત્રમાં 3,024 મતદાન મથક છે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. આ પોસ્ટલ બેલેટ સેવા થોડી અલગ છે. અહીં સુવિધાનો ઉપયોગ કરવા માગતા ઇચ્છુક લોકોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અધિકારીઓ બેલેટ લઇને આ મતદારોના ઘરે જશે અને પારદર્શિતા સુનિશ્વિત કરવા માટે મતદાનની વીડિયોગ્રાફી કરશે.
આગામી સપ્તાહથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાશે. ‘અમે વોટિંગ સ્લિપ આપવા માટે આવતા અઠવાડિયે ડોર ટુ ડોર અભિયાન શરુ કરીશું. અમે મતદારની માર્ગદર્શિકા પણ વહેંચી રહ્યા છીએ. જે આવા મતદારોને આપવામાં આવતી સુવિધાઓને સૂચિબદ્ધ કરે છે’, તેમ તેમણે કહ્યું હતું.
કોરોના મહામારીના સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાન મથક પર જતાં મતદારોની સુરક્ષા માટે તેમને ગ્લવ્ઝ અને સેનિટાઈઝર આપવામાં આવશે. પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે તેમજ બૂથ પર ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.
મહત્વનું છે કે, જો કોઈ મતદારનું તાપમાન વધારે હોવાનું જાણવા મળે છે, તો તેને શંકાસ્પદ કોવિડ-19 કેસો માટે ખાસ બનાવવામાં આવેલા આઈસોલેશન એરિયામાં રાહ જોવાનું કહેવામાં આવશે. NSS, NCCના સભ્યોને મતદાન મથકો પર ઉભા રહેવાનું કહેવામાં આવશે. તેઓને ટોકન આપવામાં આવશે અને મતદાનના છેલ્લા કલાકમાં તેઓ પોતાના મતદાન મથકમાં જઈને મત આપી શકશે.
(સંકેત)