Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 3 નવેમ્બરે યોજાશે મતદાન, આ તારીખે પરિણામ

Social Share

દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. હવે આ જાહેરાતની સાથે જ સંબંધિત વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચૂકી છે.

ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જણાવતા કહ્યું હતું કે 9 ઑક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 16 ઑક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારીની સ્ક્રૂટિની 17 ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદા 19 ઑક્ટોબર છે.

ગુજરાતના આ 8 બેઠકો પર યોજાશે પેટા-ચૂંટણી

રાજ્યમાં વિધાનસભાની જે 8 બેઠકો પર ચૂંટણી થશે તેમાં સૌરાષ્ટ્રની ધારી, ગઢડા, મોરબી અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જ્યારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જ્યારે કચ્છની અબડાસા બેઠકનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા-ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરી હતી.

(સંકેત)