Site icon hindi.revoi.in

રાજ્યના શિક્ષણ બોર્ડે દિવાળી વેકેશનની કરી જાહેરાત

Social Share

ગાંધીનગર: કોરોના મહામારીના સંકટને કારણે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. તેવામાં હવે દિવાળી વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 29 ઑક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બોર્ડની તમામ સ્કૂલોના શિક્ષકો માટે વેકેશન જાહેર કરાયું છે.

તે ઉપરાંત ઓનલાઇન ક્લાસિસ સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ આ 21 દિવસના વેકેશનમાં બંધ રહેશે તેવી માહિતી પણ શિક્ષણ બોર્ડે આપી છે.

ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે દિવાળી પછી પણ શાળા કે કોલેજો ખોલવી તે અંગે રાજ્ય સરકારે હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં જ કહ્યું હતું કે સ્કૂલો ખોલવા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. આ પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

સ્કૂલ ખોલવા અંગે આરોગ્ય વિભાગનો અભિપ્રાય સૌથી મહત્વપૂર્ણ રહેશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તે ઉપરાંત સ્કૂલો ખોલવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સમગ્ર મંત્રી મંડળ સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લેવાશે તેવું પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું.

મહત્વનું છે કે, અનલોક 5.0ની ગાઇડલાઇન્સમાં કેન્દ્ર સરકારે મર્યાદિત સંખ્યામાં સ્કૂલો 15 ઑક્ટોબરથી ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. જો કે, સ્કૂલો ખોલવી કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્યોની સરકાર પર છોડ્યો હતો.

(સંકેત)

Exit mobile version