Site icon Revoi.in

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે

Social Share

કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો પાસેથી આજથી 500 રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવશે. આજથી એટલે કે 1 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં આ નિયમ લાગુ પડશે. સામાન્ય માણસ પણ માસ્ક પહેરી શકે તે માટે સમગ્ર રાજ્યના અમૂલ પાર્લર પરથી બે રૂપિયામાં માસ્કનું વિતરણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઑગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો તેમજ જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ દંડની રકમ 200 રૂપિયા હતી.

હવે લોકો અમૂલના પાર્લર પરથી માત્ર 2 રૂપિયામાં માસ્ક લઇ શકશે. નોંધનીય છે કે આ પહેલાં પણ અમૂલ પાર્લર પરથી લોકો એન 95 અને સર્જિકલ માસ્ક ઓછી કિંમતે મેળવી શકતા હતા.

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સરકાર લોકોને માસ્ક પહેરવાનું કહે છે તેમ છત્તાં લોકો બેદરકારી દાખવીને માસ્ક નથી પહેરી રહ્યા. લોકોની આ બેદરકારીને કારણે જ સરકારને દંડની રકમ વધારવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1153 નવા કેસ નોંધાયા છે. જેની સામે 833 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 23 દર્દીના મોત થયા છે.

(સંકેત)