Site icon hindi.revoi.in

સુપ્રીમ બાદ હાઇકોર્ટે પણ ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – માસ્ક ના પહેરે તેને કોવિડ સેન્ટરમાં કામ કરાવો

Social Share

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ફરી એકવાર અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે ત્યારે કોરોનાની ગાઇડલાઇન્સના પાલનને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટ કોરોના મામલે એક્શનમાં આવી છે અને રાજ્ય સરકારને કોરોના અંગે કડક પગલાં લેવા માટેનો આદેશ પણ કર્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વકરી રહ્યા છે જેને લઇન હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, માસ્કનો ઉપયોગ ના કરનાર વ્યક્તિને કોવિડ સેન્ટરમાં કામ કરાવવામાં આવે.

હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, આવા લોકો જે માસ્ક પહેરતા નથી અને નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે અને કોવિડ સેન્ટરમાં 8 દિવસ સુધી કામની સોંપણી કરવામાં આવે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટે રાજ્ય સરકારને ઝાટકતા વેધક સવાલો કર્યા હતા કે, રાજ્યમાં લોકો મરી રહ્યા છે ત્યારે શું પ્લાન છે?, લગ્ન સમારંભમાં આટલા લોકોની આવશ્યકતા શું છે? સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય છે તેનું શું? હાઇકોર્ટે આ રીતે વકીલ જનરલને આડે હાથે લીધા હતા.

હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર સફાળી જાગી હતી અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, શનિ-રવિમાં વધારે આકરા પગલાં લઇ શકે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે પુરતા પગલાં લેવાશે તેવી બાહેંધરી આપી હતી.

નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 1560 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે 1302 દર્દીઓ સ્વસ્થ થયા છે જે સાથે કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,85,558 પર પહોંચ્યો છે.

(સંકેત)

Exit mobile version