- કોરોના સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાનું અભિયાન
- ‘ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ’ સૂત્ર સાથે CM વિજય રૂપાણીએ માસ ટેસ્ટીંગનું અભિયાન શરૂ કર્યું
- હું પણ ટેસ્ટ કરાવું છે, તમે પણ કરાવજો: CM રૂપાણીની નાગરિકોને અપીલ
ગુજરાતમાં હવે અનલોક 4 દરમિયાન મોટા ભાગની પ્રવૃત્તિઓ પરની પાબંધી હટાવી લેવામાં આવી છે અને અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે ત્યારે કોરોના સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાના હેતુસર સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ’ ના સૂત્ર સાથે સમુહ (માસ) ટેસ્ટીંગ અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ વખત મુખ્યમંત્રી રૂપાણીએ સાર્વજનિક રીતે એન્ટિજન ટેસ્ટ કરાવી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે અને એમાં તેમણે સૌ નાગરિકોને આગ્રહભરી અપીલ કરી છે કે, ‘હું પણ ટેસ્ટ કરાવું છું, તમે પણ કરાવજો.’
સુરક્ષિત પરિવાર, સુરક્ષિત ગુજરાત#GujaratFightsCovid19#IndiaFightsCorona pic.twitter.com/VJ8D78QtDT
— Vijay Rupani (@vijayrupanibjp) September 14, 2020
રાજ્યભરમાં કોરોનાના રેપિડ એન્ટિજન ટેસ્ટ સરકાર દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છે ત્યારે ‘ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ’ એમ કહી રૂપાણીએ સૌને કોરોના વાયરસથી ડરવાને બદલે ટેસ્ટ કરાવી કોરોના વાયરસથી મુક્ત છો કે કેમ તે જાણી લેવાનું સૂચન કર્યું છે. સીએમ રૂપાણીનું માનવું છે કે, હાલમાં રાજ્યભરમાં દૈનિક ધોરણે 70,000થી વધુ ટેસ્ટ કરી કોરોનાના દર્દી શોધવા પ્રયાસ થાય છે, પરંતુ પોઝિટિવ કેસ 1300 જેટલા મળે છે. એટલે દરેકને કોરોના થયો છે અથવા તો કોરોનો હશે તો શું? એવી ચિંતામાં રહેવાનું કારણ નથી.
કોરોનાના એક લાખથી વધુ કેસ અત્યાર સુધીમાં મળ્યા છે અને એની સામે ૯૪ હજારથી વધુ દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે પહોંચ્યા છે એ સંજોગોમાં ગુજરાતનો રિવકરી રેટ ૮૩ ટકા થવા આવ્યો છે, એટલે દરેકે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. કોરોનાનો ટેસ્ટ કરાવી વાયરસ હોય તો એનો સમયસર ઉપચાર કરાવી લેવો આવશ્યક છે, તેમ નિષ્ણાતો પણ માની રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના માટે સામુહિક ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરતા પ્રમોશનલ વિડિયોમાં એન્ટીજેન ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રહ્યો છે એમ મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે. બીજી તરફ ગયા સોમવારે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. એમને એક સપ્તાહ થતાં સોમવારે એપોલો હોસ્પિટલ સત્તાવાળાઓએ ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતાં હજુ બે-ચાર દિવસ પાટીલને હોસ્પિટલમાં જ રહી સારવાર લેવાની રહેશે.
(સંકેત)