Site icon Revoi.in

અમદાવાદ: કોરોનાના કેસ વધતા AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

Social Share

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા ડૉ.રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઇડલાઇનના પાલન કરાવવા માટે ઉતારી દેવામાં આવી છે.

દિવાળીમાં માર્કેટમાં લોકોની ભીડ ઉમટ્યા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેક્ટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકસાન ના થાય તે માટે પહેલા કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. હાલમાં સંક્રમણ વધ્યું છે તો લોકો પણ સતર્કતા દાખવીને સાથ સહકાર પૂરો પાડે તે આવશ્યક છે.

આ જગ્યાએ લેવાયા પગલાં

AMC તંત્ર હરકતમાં આવતા મણિનગરમાં આવેલી પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાનો પર ભીડ એકત્ર થતા તેને બંધ કરી દેવામાં આવી હતી. S G Highway પર વાઇડ એન્ગલ સિનેમા પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થતા તેને સીલ મારવામાં આવી હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના તાજેતરના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લામાં કુલ 220 નવા કેસ નોંધાયા હતા. કુલ 221 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 17 નવેમ્બરની સાંજથી 18 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 207 અને જીલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે.

(સંકેત)