Site icon hindi.revoi.in

રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇને યોજાશે કેબિનેટ બેઠક

Social Share

ગાંધીનગર: તહેવારોની સીઝન દરમિયાન રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે. આ બેઠકમાં રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ અને સ્થિતિ ઉપરાંત અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. તહેવારો દરમિયાન રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે.

રાજ્ય સરકાર આ કેબિનેટ બેઠકમાં ટેસ્ટિંગ પર ભાર મુકવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવા અંગે કોઇ નિર્ણય લઇ શકે છે. આ ઉપરાંત બેઠકમાં 25 નવેમ્બરના રોજ યોજાનાર સ્પીકર કોન્ફરન્સ બાબતે પણ ચર્ચા થશે. સ્કૂલ શરૂ કરવા અંગે પણ ચર્ચા થશે. તે ઉપરાંત લાભ પાચમના દિવસે ધારાસભ્યોના શપથગ્રહણ મુદ્દે પણ ચર્ચા થાય તેવી સંભાવના છે.

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બેસતા વર્ષના દિવસે જ રેકોર્ડબ્રેક 112 કોરોનાના કેસ આવ્યા છે.

કોરોનાના જે નવા કેસ આવેલા છે તેમાં મોટા ભાગના દર્દીઓ ક્રિટિકલ છે. સિવિલ હોસ્પિટલમાં તબીબોમાં પણ દોડધામ મચી જવા પામી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 665 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે રોજબરોજ સિવિલના કોઇને કોઇ વોર્ડ ફૂલ થઇ રહ્યા છે. કોરોનાના સતત વધતા કેસને કારણે રાતોરાત વધુ એક નવો વોર્ડ ખોલવાની ફરજ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસ વકર્યા છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના સતત વધતા કેસને કારણે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સિવિલ તંત્રના ડૉક્ટરો પણ ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરવા માટે કટિબદ્વ છે.

(સંકેત)

Exit mobile version