Site icon Revoi.in

સુરત: હવે આવી ગઇ કોરોના પ્રિન્ટની સાડી, તમે પણ જુઓ એક ઝલક

Social Share

કોરોના વાયરસના સંકટને કારણે હાલમાં સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સહિત કાપડ માર્કેટમાં કામ મર્યાદિત પ્રમાણમાં છે. કાપડ ઇન્ડસ્ટ્રી પાસે નવું ઉત્પાદન નથી. જો કે ગ્રાહકોને આકર્ષવા માટે સુરતમાં કેટલાક કાપડ ઉત્પાદકો સાડીની ડિઝાઇનમાં પણ નવું ઇનોવેશન લાવી રહ્યા છે. સુરતના પલસાણાની એક મિલના ઉત્પાદકે કોરોના વાયરસની ડિઝાઇન ધરાવતી સાડી, લહેંગા અને ડ્રેસ તૈયાર કર્યા છે.

સુરત શહેરમાં કાપડ ઉત્પાદકો પાસે માસ્ક અને પીપીઇ સુટ તૈયાર કરવાનું અને જૂના કાપડના ઓર્ડરને ક્લિયર કરવાનું કામ ઓછા પ્રમાણમાં છે. જો કે આ દરમિયાન એક કાપડ ઉત્પાદકે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કોરોનાની પ્રિન્ટવાળી સાડીનું ઉત્પાદન શરૂ કર્યું છે.

આ અંગે ઉદ્યોગપતિ અશોક ટીબરેવાલ જણાવે છે કે, દેશમાં બનતી મોટી ઇવેન્ટની પ્રિન્ટ ધરાવતી સાડી દેશના વિવિધ કાપડ માર્કેટમાં પ્રચલિત બની છે ત્યારે કોરોના વાયરસની ડિઝાઇન ધરાવતી પ્રિન્ટ વાળી સાડીનો વિચાર ઉદ્દભવ્યો હતો. તેથી અમે સૌ પ્રથમ 2 લાખ મીટર કાપડનો ઓર્ડર પૂર્ણ કર્યો હતો અને હવે 8 લાખ મીટર કોરોના વાયરસની ડિઝાઇનવાળા કપડાંની ડિમાન્ડ છે.

આ ઓડરમાંથી લહેંગા, ઘાઘરા, સાડી અને ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે. સુરતની સાથોસાથ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં પણ આ કાપડની માંગ છે. અત્યારસુધી 5 લાખ મીટરનો ઓડર પૂર્ણ કરાયો છે.

મહત્વનું છે કે, સુરતવાસીઓ આ પ્રકારના સંકટના સમયમાં પણ કંઇકને કઇ ઇનોવેશન કરીને ગ્રાહકોને આકર્ષિત કરીને ધંધો કરવાનું ચૂકતા નથી. થોડાક સમય પહેલા જ સુરતમાં હિરાજડિત માસ્ક પણ સુરતમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ તેની પણ મોટા પાયે ખરીદી કરી હતી.

(સંકેત)