1. Home
  2. revoinews
  3. કોરોના સંકટ વચ્ચે પણ સતર્કતા અને સ્વયં શિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત: અત્યારસુધી એક પણ કેસ વગર અવિરત સક્રિય ગુજરાતનો ડેરી ઉદ્યોગ
કોરોના સંકટ વચ્ચે પણ સતર્કતા અને સ્વયં શિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત: અત્યારસુધી એક પણ કેસ વગર અવિરત સક્રિય ગુજરાતનો ડેરી ઉદ્યોગ

કોરોના સંકટ વચ્ચે પણ સતર્કતા અને સ્વયં શિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત: અત્યારસુધી એક પણ કેસ વગર અવિરત સક્રિય ગુજરાતનો ડેરી ઉદ્યોગ

0

સંકેત મહેતા/વિનાયક બારોટ

  • ગુજરાતમાં લોકડાઉનમાં પણ થયું સતર્કતા સાથે દૂધનું ઉત્પાદન
  • દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયેલા વ્યક્તિને કોરોના હોય તેવો એક પણ કેસ નહીં
  • પશુપાલકો, સહકારી મંડળી અને ડેરીએ દાખવી સતર્કતા અને દર્શાવ્યું સ્વયં શિસ્ત
  • પુરતા પ્રમાણમાં લોકોને દૂધ મળી રહે તે માટેનું પ્રશંસનીય પ્રયાસ

અમદાવાદ: કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં એવા ઘણા કિસ્સા બન્યા જેમાં કામગીરી કરતી વખતે કોઈ કોરોના વાયરસથી સંક્રમિત થયુ હોય પરંતુ ગુજરાતના ડેરી ઉદ્યોગમાં એક પણ એવો કેસ સામે આવ્યો નથી જેમાં કોઈ વ્યક્તિ કામગીરી દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયું હોય. દેશમાં 68 દિવસ લોકડાઉન ચાલ્યું અને લોકોની દૈનિક દૂધની માગને પૂર્ણ કરવા માટે પશુપાલક, સહકારી મંડળી અને ડેરીએ પ્રશંસનીય કામગીરી કરી છે.

કારણ છે કે સૌપ્રથમ, લોકડાઉન દરમિયાન સહકારી મંડળી દ્વારા કેટલાક પ્રકારના ખાસ પગલાં લેવામાં આવ્યા હતા જેમાં પશુપાલકે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું, મોઢા પર માસ્ક હોવું અને કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યુ હતું અને આ જ કારણોસર હજૂ સુધી કોઈ એવો કેસ સામે આવ્યો નથી જેમાં કોઈ વ્યક્તિ દૂધની થેલીને સ્પર્શ કરીને કે દૂધની બરણીને કે અન્ય રીતે કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય. ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળી, પશુપાલકો તેમજ ડેરીએ કોવિડ-19થી બચવા જે પગલાં લીધા તેથી આ ઉદ્યોગને હજુ સુધી કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કુંડાળા કરવામાં આવ્યા હતા

દેશમાં દૂધ ખરીદનાર વ્યક્તિ દૂધની ખરીદી દરમિયાન સંક્રમિત ન થાય તે માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે જેને જાણ્યા પછી તમને પણ પશુપાલક, સહકારી મંડળીના કાર્યકરો અને ડેરી ઉદ્યોગના કર્મચારીઓ પર ગર્વ થશે.

પશુપાલકો, દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ ડેરી દ્વારા કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાયા તે અંગે રીયલ વોઇસ ઇન્ડિયા (રીવોઇ મીડિયા) એ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીઓ સાથે સીધી જ વાતચીત કરી છે અને ત્યારબાદ અહેવાલ તૈયાર કરીને તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે.

વાંચો સંપૂર્ણ અહેવાલ.

દૂધ ઉત્પાદક મંડળીઓની પ્રશંસનીય કામગીરી

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલી ચાંગા પટેલવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી નારણભાઇ પટેલ પણ આ બાબતે પગલાં લીધા અને તેઓએ પોતાની ડેરી પર સોશિયલ ડિસ્ટન્સ બની રહે તે માટે પુરુષ અને મહિલા માટે અલગ લાઈનની વ્યવસ્થા બનાવી અને કુંડાળા પણ દોર્યા હતા, દૂધ ભરવા આવનાર માટે માસ્ક ફરજીયાત કર્યુ અને કોઈ પણ પશુપાલકને ડેરીની અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી.

દૂધ ભરાવવા આવતા ગ્રાહકો પણ કરે છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

આ બાબતે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે “ડેરીમાં દૂધ ભરવા આવતા લોકોએ ફરજીયાત સ્ટીલની બરણીમાં જ દૂધ લાવવું અને જે દૂધને ઢાંકીને ન લાવવામાં આવે તે દૂધની ખરીદી કરવાની મનાઈ કરી હતી. પશુપાલકો સ્ટીલની બરણીમાં દૂધ લઇને આવે ત્યારબાદ મંડળીના કર્મચારીઓ પણ ગ્લોવ્ઝ પહેરીને જ એ બરણી લેતા. ગામની સહકારી મંડળી દ્વારા પશુપાલકોને માસ્ક તથા સેનેટાઈઝર આપવામાં આવતા હતા જેથી તેઓ પોતોનું ધ્યાન ઘરે પણ રાખી શકે અને ડેરી પર કામ કરતા કર્મચારીઓને સમયસર ઉકાળો તથા હળદર વાળું દૂધ આપવામાં આવતુ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ બની રહે અને તેઓ કામ કરી શકે.”

કર્મચારીઓને નિયમિતપણે સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળો આપવામાં આવે છે

“આ તમામ પ્રકિયા બાદ જ સહકારી મંડળીઓમાં દૂધ ભરવામાં આવતું હતું અને ચાંગા પટેલવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રોજનું 3200 લિટર દૂધ પશુપાલક દ્વારા ભરવામાં આવે છે.  ખાનગી રીતે મુખ્ય ડેરીના અધિકારીઓ દ્વારા પણ સહકારી મંડળીની કામગીરી પર દેખરેખ રાખવામાં આવતી હતી અને દરેક પ્રકારની કામગીરીની ડેરીના અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હતું. જેથી કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય. તે ઉપરાંત દૂધ ભરાવવા આવતા પશુપાલકોને ડિજીટલ માધ્યમથી સીધા જ તેમના ખાતામાં પૈસાની ચૂકવણી કરવામાં આવતી હતી.”

પશુપાલક પાસેથી જ્યારે દૂધ લેવામાં આવતું ત્યારે સહકારી મંડળી તો ધ્યાન રાખતી જ હતી પરંતુ સહકારી મંડળી પાસેથી જ્યારે ડેરી દૂધ એકત્રિત કરતી હતી ત્યારે પણ અનેક પ્રકારની કાળજી રાખવામાં આવી છે. સહકારી મંડળીમાં કામ કરનારો કોઈ વ્યક્તિ અજાણતા સંક્રમિત ન થઈ જાય તે માટે પાલનપુરની ડેરીઓ દ્વારા સહકારી મંડળીઓને જરૂરીયાતની વસ્તુઓ જેવી કે સેનેટાઈઝર, માસ્ક તથા અન્ય વસ્તુઓ આપવામાં આવતી હતી અને જે ગામમાંથી વધારે દૂધની આવક થતી તે ગામમાં બનાસડેરી દ્વારા સંપુર્ણ ગામને સેનેટાઈઝ કરવામાં આવતું હતુ. જેના કારણે પશુપાલકો પણ સલામત રહી શકે અને દૂધનો સપ્લાય અટકે પણ નહી.

દૂધ ઉત્પાદક સહકારી મંડળીને રોજબરોજ સેનિટાઇઝ કરવામાં આવે છે

આ જ રીતે રીવોઇ મીડિયા દ્વારા રણાવાડા-(ખા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી મગનભાઈ દેસાઈ સાથે પણ આ મુદ્દે વાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે “કોરોના વાયરસને લઈને લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા તેઓએ તમામ પગલાં આગમચેતી સ્વરૂપે લીધા હતા અને ડેરીની બહાર એક-દોઢ મીટરના અંતરે કુંડાળા દોરવામાં આવ્યા હતા જેમાં રહીને જ તમામ લોકોને દૂધ વેચવાનું આહવાન કર્યુ હતું. આનાથી લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહેવાનું શરૂ થયું. તે ઉપરાંત દૂધ ભરાવવા આવતા લોકોને માસ્ક ફરજીયાત પહેરાવવામાં આવતું હતું અને પછી જ તેની પાસેથી દૂધ લેવામાં આવતું હતું. આ સહકારી મંડળીમાં દૈનિક ધોરણે 2000 લીટર દૂધ ભરવામાં આવે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “રણાવાડા-(ખા) દૂધ ઉત્પાદક સહકારી મંડળી ડેરીને દર સાત દિવસે સેનેટાઈઝ કરવામાં પણ આવતી હતી અને ગામની ડેરીમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે ચાર અથવા પાંચથી વધારે સ્ટાફને કામગીરી પર બોલાવવામાં પણ આવતો ન હતો. તે ઉપરાંત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કામ કરતા દરેક કર્મચારીઓ માટે માસ્ક, હાથના ગ્લોવ્ઝ તેમજ માથે ટોપી ફરજીયાત કરવામાં આવી હતી.”

કોવિડ-19માં લોકડાઉન દરમિયાન પશુપાલકો, દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉપરાંત ડેરી દ્વારા પણ વિશેષ રીતે તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને માસ્ક તેમજ સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવતું હતું. ડેરીના અધિકારીઓ દ્વારા નિયમિતપણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થતી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતું અને સાથોસાથ જે ગામમાં પશુપાલકો વધુ હોય ત્યાં સંપૂર્ણ ગામને ડેરી દ્વારા સેનિટાઇઝ કરવામાં આવતું જેથી કોરોનાનું સંક્રમણ ના ફેલાય.

ડેરી દ્વારા રોજબરોજ ટ્રક દૂધ ઉત્પાદક સહકારી મંડળી જાય છે અને ત્યાં ખુદ ટ્રક ડ્રાઇવર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા. ટ્રકની સાથે ડેરીના અધિકારીઓ રહેતા અને તેઓ સહકારી મંડળીમાંથી દરેક દૂધનું સેમ્પલ લેબમાં ચકાસણી માટે લેતા અને ત્યારબાદ દૂધ ટ્રકમાં પમ્પ મારફતે ભરવામાં આવતું.

મહત્વનું છે કે, જ્યારે કોરોના વાયરસની મહામારીને કારણે લાગૂ પડેલા લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારોમાં મોટા ભાગના ધંધા કે રોજગાર સ્થગિત હતા ત્યારે એ સમયમાં પણ નોંધપાત્ર રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ડેરીઓ તેમજ પશુપાલકોએ કોવિડ-19થી બચવા માટે સતર્કતા દાખવીને તકેદારીના દરેક પગલાં ભર્યા હતા અને સ્વયંશિસ્તનું પાલન કરીને દૂધને ડેરી અને બાદમાં લોકો સુધી દૈનિક ધોરણે પહોંચાડ્યું હતું. તે લોકોના આ જ અભિગમને કારણે ગામડાંઓમાં લોકોનો જીવનનિર્વાહ સતત ચાલું રહ્યો હતો.

આ તમામ પ્રકારની સાવચેતી અને સતર્કતા સાથે દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગમાં કામ કરવામાં આવ્યુ અને તે બાદ તે દૂધ લોકોના ઘર સુધી પહોચાંડવામાં આવ્યું. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ડેરીઓ અને પશુપાલકોની સતર્કતા, સ્વયંશિસ્ત, જાગરુકતાને કારણે ત્યાં એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયો હોવાનો કિસ્સો સામે આવ્યો નથી. આ દ્રષ્ટાંત ખાસ કરીને અન્ય ઉદ્યોગો તેમજ લોકો માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.