1. Home
  2. revoinews
  3. ખુદ કોરોનાગ્રસ્ત થયા, બાદમાં સાજા થઇને ફરીથી કોરોના સંક્રમિત દર્દીઓની અવિરતપણે સેવા કરી રહ્યા છે સિવિલના આ ડૉક્ટર
ખુદ કોરોનાગ્રસ્ત થયા, બાદમાં સાજા થઇને ફરીથી કોરોના સંક્રમિત દર્દીઓની અવિરતપણે સેવા કરી રહ્યા છે સિવિલના આ ડૉક્ટર

ખુદ કોરોનાગ્રસ્ત થયા, બાદમાં સાજા થઇને ફરીથી કોરોના સંક્રમિત દર્દીઓની અવિરતપણે સેવા કરી રહ્યા છે સિવિલના આ ડૉક્ટર

0
  • કોરોના મહામારી સામે ઢાલ બનીને ખડેપગે રહેતા કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરનું દ્રષ્ટાંત
  • ડૉ.મૈત્રેય ગજ્જરે કોરોના થયા બાદ પણ પોતાની ડૉક્ટરની ફરજ નિભાવી
  • કોરોના સામેની લડાઇનો હું સૈનિક છું, તેનો મને ગર્વ છે: ડૉ.મૈત્રેય ગજ્જર

સમગ્ર દેશમાં આજે જ્યારે કોરોનાની મહામારી જોવા મળી રહી છે ત્યારે તેની સામે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર, દેખભાળ માટે 24 કલાક હાથમાં સ્ટેથોસ્કોપ તેમજ પીપીઇ કિટ પહેરીને અન્ય મેડિકલ સાધનો સાથે કોરોના વોરિયર્સ ગણાતા ડૉક્ટર્સ ફરજ બજાવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સતત ખડેપગે રહેતા આ ડૉક્ટર્સ ખુદના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની જવાબદારી અને ફરજ નિભાવી રહ્યા છે. આવા જ એક કર્મઠ અને કર્તવ્યનિષ્ઠ 63 વર્ષીય ડૉક્ટર મૈત્રેય ગજ્જર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા દરમિયાન દર્દીઓની સેવા કરતા કરતા કોરોનાગ્રસ્ત બન્યા હતા. કોરોના થયો હોવા છત્તાં તેઓએ મક્કમતાપૂર્વક અને ખંત સાથે કોરોનાને મ્હાત આપી હતી અને હવે ફરી હિંમત અને જોશ સાથે દર્દીઓની સેવામાં લાગી ગયા છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જરે જણાવ્યું હતું કે, “કર્તવ્યને કારણે કોરોનાગ્રસ્ત થયા બાદ સાજો થયો તે બાબતનો ગર્વ છે, ફ્રન્ટ કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવી મારું કામ કરી રહ્યો છું અને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારી સેવા મળે તે માટે સતત પ્રયત્નશીલ છું.

અમદાવાદ સ્થિત સિવિલમાં 1200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ડૉ. મૈત્રેય ગજ્જર ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. કોરોનાના સંક્રમણના ડરથી લોકો ઘરમાં પૂરાયેલા રહે છે ત્યારે 63 વર્ષીય ડૉ.મૈત્રેય ગજ્જર કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠત્તમ સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપતા અન્ય ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, નર્સ તેમજ અન્ય સ્ટાફને તકલીફ ના પડે તે માટે તેઓ સતત પીપીઇ કિટ પહેરી રાઉન્ડ લેતા હતા અને આ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને માટે જ તેઓ હોમ કોરેન્ટાઇન થયા હતા.

જો કે કોરોનાગ્રસ્ત થયા હોવા છત્તાં તેમનો જુસ્સો અને જોશ ફરજ માટે અકબંધ હતો જેથી 18 દિવસના હોમ કોરેન્ટાઇન બાદ કોરોનામુક્ત થતાં ડ્યૂટી પર આવીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં અવિરત સેવા બજાવી રહ્યા છે. તે ઉપરાંત ડૉ.મૈત્રેય ગજ્જરે કોવિડ-19 હોસ્પિટલ ખાતે લેબોરેટરી, બ્લડ ટ્રાન્સફ્યુઝશન સેન્ટરની સુવિધા તેમજ દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

કોરોનાના સંક્રમણથી સાજા થવા સુધીની વાત કરતા ડૉ. મૈત્રેય ગજ્જરે જણાવ્યું હતું કે, મને કોરોનાથી ઝડપથી સાજા થવામાં મારા પત્ની અને મારા હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો છે. મારા પરિવારને મારા પર ખૂબ જ ગૌરવ છે કે હું આવી કપરી પરિસ્થિતિમાં પણ સેવા પી રહ્યો છું. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આ લડાઇના સૈનિક હોવાનો મને ગર્વ છે. દેશવાસીઓની સેવા કરવાનો મને મોકો મળ્યો છે જેથી મારી જાતને હું ભાગ્યશાળી માની રહ્યો છું.

મહત્વનું છે કે, આજે જ્યારે સમગ્ર દેશ કોરનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ખાસ કરીને કોરોના સામેની ઢાલ ગણાતા એવા ડૉકટર્સનું યોગદાન ખૂબજ નોંધપાત્ર બની જાય છે. આવા જ આ ડોક્ટર મૈત્રેય ગજ્જરે પોતે કોરોના પોઝિટિવ થયા હોવા છત્તાં સાજા થયા બાદ કોરોનાના દર્દીઓની અવિરતપણે નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે જે કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ડોક્ટરે સમગ્ર માનવજાત માટે પોતાની ફરજ અને જવાબદારી પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેવાનું શીખવ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.