Site icon hindi.revoi.in

ગિરનાર રોપ વે સેવાને બહોળો પ્રતિસાદ, 15 જ દિવસમાં 20 હજાર મુસાફરોએ માણી રાઇડ

Social Share

જૂનાગઢ: ગિરનાર પર એશિયાના સૌથી મોટા રોપ-વેને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. માત્ર 15 દિવસમાં જ 20 હજારથી વધુ મુસાફરોએ રોપ-વેની સવારી કરી છે. જો કે બીજી તરફ રોપ-વેના ઉંચા ભાડાને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તમામ સમાજો, સંસ્થાઓ, રાજકીય પક્ષોએ રજૂઆત કરી વિરોધ કર્યો હતો.

દિવાળીના સમયમાં પ્રવાસીઓનો ઘસારો વધે તેવી સંચાલકો આશા રાખી રહ્યા છે. રોપ-વે સેવાના પ્રારંભ સાથે જ પ્રવાસીઓમાં રોપ-વે પ્રત્યેનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. લોકો રોપ-વે મારફતે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ રોપ-વેના કારણે વયોવૃદ્વથી લઇને નાના બાળકો સૌથી સો કોઇ કપરા ચઢાણ ચડ્યા વગર માતાજીના સુગમતાપૂર્વક દર્શન કરી શકે છે.

રોપ-વેના ભાડાને લઇને લોકોની રજૂઆત બાદ આજે સાંજે એક બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરુભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, તમામ સમાજના આગેવાનો, તમામ સામાજીક, શૈક્ષણિક તબીબી તેમજ કાયદાકીય સંસ્થાના અગ્રણીઓ, શહેરના પ્રબુદ્વ નાગરિકો તેમજ સંતગણની પણ ઉપસ્થિત રહેશે. જો આ બેઠક બાદ ઉષા બ્રેકો કંપની રોપ-વેનું ભાડું ના ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારીની રૂપરેખા પણ તૈયાર કરાશે.

નોંધનીય છે કે, મોદી સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ પણ છે. આ રોપવે સેવા બાદ હવે પ્રવાસીઓ માટે પણ મા અંબાજી અને દત્તાત્રેયના દર્શન કરવા વધુ સરળ બન્યા છે. શારીરિક અશક્ત, વયોવૃદ્વ, બાળકો પણ હવે રોપવેના માધ્યમથી ગિરનાર પર મા અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મા અંબાજીના દર્શન કરવા માટે જ્યાં પહેલા 4-5 કલાક પગથિયા ચડવા પડતા હતા તેની જગ્યાએ હવે માત્ર 8 મિનિટના સમયગાળામાં જ મા અંબાજીના મંદિર સુધી પહોંચી શકાય છે.

(સંકેત)

Exit mobile version