Site icon hindi.revoi.in

દુ:ખદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન, CM રૂપાણી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Social Share

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને પીઢ નેતા કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ આજે તેમને સારવાર અર્થે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આપને જણાવી દઇએ કે ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઇ પટેલનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કેશુભાઇ પટેલને શ્રદ્વાંજલિ આપતા જણાવ્યું હતું કે તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કેશુબાપના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સાંઘાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. મોટી ઊંમર હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.

બે વખત મુખ્યમંત્રી પદે રહ્યા

નોંધનીય છે કે, કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.  1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

(સંકેત)

Exit mobile version