- ગુજરાત ભાજપના લાખો કાર્યકર્તાઓએ ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે કર્યો હતો સેવાયજ્ઞ
- આ સેવાયજ્ઞની માહિતીનું સંકલન કરી બનાવેલી ઇ-બુકનું કમલમ ખાતે કરાયું લોકાર્પણ
- CM રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરાયું લોકાર્પણ
આજ રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને વરિષ્ઠ ભાજપા અગ્રણીશ્રી સુરેન્દ્રકાકાની ઉપસ્થિતિમાં લોકડાઉન દરમિયાન ગુજરાત ભાજપાના લાખો કાર્યકર્તાઓ દ્વારા ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે કરવામાં આવેલ ઐતિહાસિક સેવાયજ્ઞની માહિતીનું સંકલન કરીને બનાવવામાં આવેલ ઈ-બુક નું લોકાર્પણ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કોરોનાની ગંભીર પરિસ્થિતિ દરમિયાન લોકડાઉનના સમયમાં રાજ્યના જરૂરીયાતમંદની સેવામાં ખડે પગે રહી શક્ય તમામ મદદ કરનાર ભાજપાના પ્રત્યેક કાર્યકરે માનવતાના ભાવથી કરેલા આ ઐતિહાસિક સેવા કાર્યોને બિરદાવી સૌ કાર્યકર્તાઓને તેમજ ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓએ કરેલા આ સેવાયજ્ઞ ને ડિજિટલ સ્મૃતિસ્વરૂપે સંગ્રહ કરવા અને આગામી પેઢી તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે તૈયાર કરાયેલી ઈ-બુક ના નિર્માણ સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “ભાજપા માટે સત્તા સેવાનું માધ્યમ છે,ભાજપાના પ્રત્યેક કાર્યકર્તા માટે મને ગર્વ છે. ચાઇનાના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલી આ કોરોના બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશીતા સાથે સમયસર આયોજનબદ્ધ રીતે જે પગલાં લીધા તેમજ સૌ ગુજરાતવાસીઓના સહિયારા પ્રયાસોના પરિણામસ્વરૂપ આજે ગુજરાતમાં કોરોના ને નાથવા માટે, ડેથ રેટ ઓછો કરવા માટે, પરિણામલક્ષી કાર્ય કરવામાં સફળ થયા છીએ.”
ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ‘ઇ-બુક’ના નિર્માણ સાથે સંકલિત તમામ કાર્યકર્તાઓ અને આગેવાનશ્રીઓને ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવૃતિઓને સુંદર રીતે ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવામાં પોતાનું યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, “વૈશ્વિક મહામારી કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત ભાજપાનો પ્રત્યેક કાર્યકર જરૂરિયાતમંદની સેવા કરવામાં અગ્રેસર રહ્યો તે વાતનો મને અનહદ આનંદ છે. ગુજરાત ભાજપાના પ્રત્યેક કાર્યકરે કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં ડર્યા વગર, ડગ્યા વગર, સુનિશ્ચિત આયોજન સાથે વધુમાં વધુ જરૂરિયાતમંદની સેવા કરી છે, પ્રવાસી શ્રમિકોની સગવડતા માટે પણ અનેક પ્રયાસો કર્યા છે.”
સી.આર.પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, “રાજ્યના નાના ગામડાથી લઈને મહાનગર સુધી ભાજપના કાર્યકર્તાઓએ જનસેવાના ભાવથી ફુડ પેકેટ, રાશન કીટ, ફેસકવર,સેનિટાઈઝર સહિતની ચીજવસ્તુઓનું ખૂબ જ મોટી માત્રામાં વિતરણ કરી માનવતાની એક અદભુત મિસાલ કાયમ કરી છે.”
પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, “ભાજપા માટે સત્તા એ જનસેવા માટેનું સાધન છે, ભાજપાના પ્રત્યે કાર્યકર્તાને હું આ અનોખો સેવાયજ્ઞ કરવા બદલ અભિનંદન પાઠવું છું. શ્રી દલસાણીયા એ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતમાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત જિલ્લા અને મંડલની ઇ-બૂકનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.”
પ્રદેશ ભાજપાના આ ઇ-બુક લોન્ચિંગ કાર્યક્રમનું સંચાલન પ્રદેશ અગ્રણીશ્રી મહેશભાઈ કસવાલાએ કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા , પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ મંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા સહિતના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(સંકેત મહેતા)