Site icon Revoi.in

ભૂરાજકીય દ્રષ્ટિએ વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા-અસ્થિરતાના ખેલના પોતપોતાના કારણો

Social Share

– આનંદ શુક્લ

અફઘાનિસ્તાનની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને ખાસ ભૂરાજકીય મહત્વ તેને દક્ષિણ અને મધ્ય એશિયા માટે મહત્વનું બનાવે છે. આના કારણે અફઘાનિસ્તાનને કેટલાંક દેશો પોતાના હિત માટે સ્થિરતા અને મજબૂતી આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ કરીને તેને અસ્થિર અને નબળું બનાવીને પોતાના હિતોની પૂર્તિ કરવાનું દુનિયા માટે જોખમી સાબિત થાય તેવું વલણ ધરાવે છે.

19મી અને 20મી સદીના મોટાભાગના સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાન ક્યારેય એક એકીકૃત દેશ તરીકે ઉભર્યું નથી. તેની ભૂરાજકીય સ્થિતિને કારણે બ્રિટન, સોવિયત સંઘ અને ઈરાન જેવી પ્રાદેશિક શક્તિઓ પોતપોતાની સીમાઓમાં રહી હતી. અફઘાનિસ્તાનનું અસ્તિત્વ જ પાસ-પાડોશના દેશો માટે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરે છે. તો અફઘાનિસ્તાનમાં ઉભી થનારી સુરક્ષા સંબંધિત સમસ્યાઓની પણ આસપાસના દેશો પર ઘેરી અને વિપરીત અસર પેદા કરે છે.

લેન્ડ લૉક અફઘાનિસ્તાન પોતાની આસપાસના દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાનના પાડોશમાં ઈરાન,  પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ચીન આવેલા છે. જમ્મુ-કાશ્મીરના ગિલગિત-બાલ્તિસ્તાનની સરહદ પણ અફઘાનિસ્તાનને સ્પર્શે છે. તેથી ભારત, રશિયા અને જાપાનના રણનીતિક હિતો પણ અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા છે.

ઈરાન અફઘાનિસ્તાનના પુનર્નિમાણમાં ખાસું યોગદાન આપી રહ્યું છે. જેને કારણે પશ્ચિમી અફઘાનિસ્તાન ઈરાનની નજીક આવી ગયું છે. જાપાન અફઘાનિસ્તાનના આધુનિક નિર્માણમાં બીજો સૌથી મોટો દેશે છે. જાપાન અહીં ખાસા નાણાં લગાવી રહ્યું છે. તો ભારત પણ અફઘાનિસ્તાનમાં એક મોટા મદદગાર સાથી તરીકે સૌથી વધારે મૂડી રોકી રહ્યું છે. ભારત સશક્ત અને આધુનિક અફઘાનિસ્તાન બનાવવા કાર્યરત છે. એવું માનવામાં આવે છે કે ચીન ટૂંકાગાળામાં અફઘાનિસ્તાનમાં મૂડી રોકનારા સૌથી મોટા દેશ તરીકે ઉભરશે.

અફઘાનિસ્તાનના તમામ દૂર અને નિકટવર્તી પાડોશી દેશો ક્ષેત્રમાં સ્થિરતા ટકાવવા માટે રસ દાખવે છે. ચીન અને રશિયાને ચિંતા છે કે ક્યાંક આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકવાદ આઈએસઆઈએસ થકી પોતાનું સ્થાન બનાવી લેશે તો તેમના મુસ્લિમ બહુલ પ્રાંતોમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. ભારતને અફઘાનિસ્તાનમાં ફાલેલા આતંકવાદથી પોતાના રાષ્ટ્રીય હિતો જોખમાતા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં થોડીક ગડબડ બાદ અફઘાની ઈરાન અથવા પાકિસ્તાન ભાગી જાય છે. આ તમામ દેશો અફઘાનિસ્તાનની સમસ્યાને પોતાપોતાની નજરે જોવે છે. આ ક્ષેત્રના તમામ દેશો પોતાના ઊર્જા સંસાધનોની આપૂર્તિ માટે સુરક્ષિત અફઘાનિસ્તાન ઈચ્છે છે. તમામ પાડોશી દેશો અફઘાનિસ્તાનને પોતાના હિતો માટે મહત્વપૂર્ણ માને છે.

મધ્ય-પૂર્વ તથા મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાની નજીકની વ્યૂહાત્મક સ્થિતિને કારણે ક્ષેત્રમાં અફઘાનિસ્તાન બેહદ રણનીતિક મહત્વ ધરાવે છે. પોતાની આસપાસના ક્ષેત્રમાં અફઘાનિસ્તાનનું કોઈ હિત નથી. તેની મધ્ય-પૂર્વના ઈઝારાયલ-પેલેસ્ટાઈનના વિવાદ સાથે સીધી કોઈ લેવાદેવા નથી. પરંતુ ઈરાન ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદમાં રાષ્ટ્રીય હિતો ધરાવે છે. જેના કારણે અફઘાનિસ્તાનમાં તેને વ્યૂહાત્મક રસ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી હસ્તક્ષેપ સામે ઈરાનને વાંધો છે. સોવિયત સંઘની સેનાઓની વાપસી બાદ અફઘાનિસ્તાનની વિઘટીત થયેલા રશિયામાં કોઈ દિલચસ્પી નથી. પરંતુ રશિયા અફઘાનિસ્તાનું હાલ સીધું પાડોશી નહીં હોવા છતાં તેના રણનીતિક હિતોને કારણે અહીં રસ લઈ રહ્યું છે.

1979 તથા ત્યાર બાદના સમયગાળામાં સોવિયત સંઘના હસ્તક્ષેપે દક્ષિણપંથીઓનો સફાયો કર્યો હતો અને તેની સામે અફઘાનિસ્તાનમાં અમેરિકી દોરીસંચાર હેઠળ પ્રભાવી બનેલા પાકિસ્તાન દ્વારા પેદા કરાયેલા વૈશ્વિક જેહાદી આતંકી નેટવર્કથી સંચાલિત મુજાહિદ્દીનોએ અહીં ડાબેરીઓની હત્યાઓ કરી હતી. ઉત્તરીય અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ સોવિયત સંઘના સામ્યવાદી કેન્દ્રીય એશિયાઈ ગણરાજ્યો સાથે આર્થિક-સાંસ્કૃતિક અને વંશીય સંબંધ રહ્યો છે. પોતાની સુરક્ષા અને આધુનિકીકરણની જરૂરિયાતોની પૂર્તિ માટે અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં રસ ધરાવે છે અને તે સાર્કનું સભ્ય પણ છે. પરંતુ ભારત અને પાકિસ્તાન બંને અફઘાનિસ્તાનને અલગ-અલગ કારણોથી પોતાની સાથે રાખવાની કોશિશો કરતા રહે છે.