Site icon Revoi.in

હાર્દિક પટેલને લાફો મારનાર યુવકે કાઢ્યો આક્રોશ, કહ્યું- એ છે કોણ? ગુજરાતનો હિટલર?

Social Share

આજે ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણમાં થઈ રહેલી જન આક્રોશ સભામાં સ્ટેજ પર બોલી રહેલા હાર્દિક પટેલને તરુણ ગજ્જર નામના એક વ્યક્તિએ સ્ટેજ પર ચડીને એક જોરદાર લાફો ઝીંકી દીધો. આ ઘટના પછી સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર તરૂણને ક્રૂરતાથી ખૂબ માર્યો. તેના કપડા પણ ફાડી નાખ્યા. તરૂણને સારવાર માટે વંથલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ હોસ્પિટલમાંથી તરૂણે મીડિયાને લાફો મારવાનું કારણ જણાવતા કહ્યું કે, “જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ થઈ રહી હતી. મેં ત્યારે બહુ મુશ્કેલીઓ સહન કરી હતી અને ત્યારે જ નિર્ણય કર્યો હતો કે હું એક દિવસ આ માણસને લાફો મારીશ. મારે તેને કોઈપણ રીતે પાઠ ભણાવવો હતો.”

તરૂણ ગજ્જરે કહ્યું કે, “તે પછી પણ ફરીથી જ્યારે અમદાવાદમાં તેની રેલી ચાલી રહી હતી તે દરમિયાન હું મારા બાળક માટે દવા લેવા માટે નીકળ્યો પરંતુ બધું બંધ હતું. તેના કારણે રોડ બંધ થઈ ગયા, દુકાનો બંધ થઈ ગઈ. તે જ્યારે પણ ઇચ્છે ત્યારે આખું ગુજરાત બંધ થઈ જાય. એ છે શું? ગુજરાતનો હિટલર?”

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી. આ જનસભાના મંચ પરથી હાર્દિક ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફો પડી જતા હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ લાફો મારનાર વ્યક્તિની બેફામ ધોલાઈ કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાંએ યુવાનને ઢોરમાર માર્યો હતો. લોકોએ તેને એટલી હદે માર્યો કે તેના કપડાં સુદ્ધાં ફાટી ગયા. પોલીસ તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસે તેને માંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો. લાફો મારનાર વ્યક્તિ તરૂણ ગજ્જર જે કડીના જેસલપુરનો રહેવાસી છે તે બીજેપીનો કાર્યકર્તા હોવાનું કહેવામાં આવે છે. જોકે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડિયા જણાવે છે કે તરૂણ ગજ્જર કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. તે એક સામાન્ય માણસ છે. તેના પર જરૂરી કાયદારીય કાર્યવાહી કરવામાં આવશે.