Site icon Revoi.in

RSS હવે સૈનિક તૈયાર કરવામાં કરશે મદદ, 160 બાળકોની પહેલી બેચ સાથે શરૂ થશે આર્મી સ્કૂલ

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશના સૈનિકોને તૈયાર કરવામાં મદદ કરશે. તેના માટે આરએસએસ એક સૈનિક સ્કૂલ ખોલી રહ્યું છે. આ સ્કૂલનું સંચાલન સંઘના એકમ વિદ્યાભારતી દ્વારા થશે. સ્કૂલનું નામ સંઘના ભૂતપૂર્વ સરસંઘચાલક રાજેન્દ્રસિંહ ઉર્ફે રજ્જૂ ભૈયાના નામ પર રાખવામાં આવશે.

ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિરનું નિર્માણ ઉત્તરપ્રદેશના બુલંદશહર ખાતેના શિકારપુરમાં કરાઈ રહ્યું છે. શિકારપુરમાં જ રજ્જૂ ભૈયાનો જન્મ 1922માં થયો હતો. આ કિશોરો માટે આવાસીય સ્કૂલ હશે. સ્કૂલમાં અભ્યાસ આગામી વર્ષે એપ્રિલમાં થશે. સ્કૂલમાં સીબીએસઈ સિલેબસ ભણાવવામાં આવશે. તેમા છઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીના ક્લાસ હશે.

વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના પશ્ચિમી યુપી અને ઉત્તરાખંડના ક્ષેત્રીય સંયોજક અજય ગોયલે કહ્યુ છે કે દેશમાં આવા પ્રકારનો આ પહેલો પ્રયોગ થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ મોડલને દેશભરમાં લાગુ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે વિદ્યાભારતી અત્યારે દેશભરમાં વીસ હજારથી વધારે સ્કૂલોનું સંચાલન કરે છે.

આ સ્કૂલમાં પહેલી બેચના એડમિશન માટે પ્રોસ્પેક્ટ્સ પણ તૈયાર થઈ ચુક્યું છે. સ્કૂલમાં એડમિશન માટે અરજી આગામી મહીનાથી આમંત્રિત કરવામાં આવશે. ગોયલે કહ્યુ છેકે છઠ્ઠા ધોરણની પહેલી બેચમાં 160 બાળકો પ્રવેશ મેળવશે. આમા શહીદોના બાળકો માટે 56 બેઠકો અનામત હશે.

આ સ્કૂલમાં સુધારા માટે સેવાનિવૃત્ત સૈન્ય અધિકારીઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં બેઠક કરે તેવી સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે આરએસએસ પહેલેથી જ સ્કૂલના સ્તર પર સૈન્ય શિક્ષણ અને ટ્રેનિંગની તરફદારી કરતું રહ્યું છે. નાસિકમાં બી. એસ. મુંજીએ 1937માં ભોંસલે સૈન્ય સ્કૂલની શરૂઆત કરી હતી. મુંજે આરએસએસના સંસ્થાપક કે. બી. હેડગેવારના મેન્ટર હતા.

આ સ્કૂલ 20 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલી છે. આ સ્કૂલ માટે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી અને ખેડૂત રાજપાલ સિંહે જમીન દાનમાં આપી છે. સ્કૂલની ઈમારત ત્રણ માળની હશે. આ સ્કૂલનું નિર્માણ ગત વર્ષ 24 ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલના નિર્માણ પર 40 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમા એક ત્રણ માળની હોસ્ટેલ અને એક સ્ટેડિયમ પણ હશે. તેમા રહેનારા લોકો માટે ડિસ્પેન્સરી અને સ્ટાફ માટે આવાસ પણ હશે.