લોકસભા ચૂંટણીના અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ફરીથી સરકાર બનાવતું દેખાય રહ્યું છે. કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ થઈ ચુકી છે. અમેઠીમાં પણ રાહુલ ગાંધી પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનો પડકાર મોટો સાબિત થઈ રહ્યો છે. યુપીમાં સપા-બસપા ગઠબંધનની સ્થિતિ પણ ખરાબ છે. તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવવામાં આવી છે. કોંગ્રેસે એક તરફ વોટ કાપવાની ભૂમિકા અદા કરી છે. કોંગ્રેસ પર 24 અકબર રોડ નામનું પુસ્તક લખનારા વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ તો આ સ્થિતિને જોતા ત્યાં સુધી કહી દીધું છે કે રાહુલ ગાંધીએ રાજકારણ છોડી દેવું જોઈએ. રાજકારણ તેમના વશની વાત નથી.
એક ફેસબુક લાઈવમાં વાતચીત દરમિયાન કહ્યુ હતું કે માત્ર રાહુલ ગાંધીની રણનીતિ જ નિષ્ફળ નથી થઈ, પરંતુ તેમના બહેન પ્રિયંકા ગાંધીએ પણ ત્રણ મોટી ભૂલો કરી છે. પહેલી એ ભૂલ કરી છે કે તેમણે વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરી અને બાદમાં ત્યાંથી તેઓ ચૂંટણી લડયા જ નહીં. બીજી ભૂલ કરી કે તેમણે કોંગ્રેસને વોટ કટવા પાર્ટી કહી અને ત્રીજી ભૂલ કરી હતી કે જ્યારે પૂર્વાંચલમાં તમારું કઈ હતું જ નહીં, તો ત્યાં ગયા શા માટે? પૂર્વાંચલમાં તો કોંગ્રેસનું સંગઠન પણ ન હતું અને ઉમેદવાર તથા સાધનો પણ ન હતા.
કિદવઈએ કહ્યુ છે કે મને લાગા છે કે હવે કોંગ્રેસ કદાચ રાહુલ ગાંધીને પાછળ કરીને પ્રિયંકા ગાંધીને આગળ લાવશે, કારણ કે તેમની સંવાદની શૈલી સારી છે. તેમણે કોંગ્રેસીઓમાં વિશ્વાસની ભાવના જગાડી છે. આ ચૂંઠણીમાં ઘણા પ્રાદેશિક પક્ષોનું પણ પતન થયું છે. માટે તેમની રાજકીય જમીન કોંગ્રેસે ઘેરવાની કોશિશ કરવી જોઈએ. કોંગ્રેસને જમીન પર મહેનત કરીને ખુદને એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરવી જોઈએ.
કિદવઈએ કહ્યુ છે કે દેશમાં એક વ્યક્તિ એટલે કે નરેન્દ્ર મોદીને લઈને જનતામાં આસ્થા અને વિશ્વાસ છે. તેમને લાગે છે કે તેઓ જનતાની સમસ્યાઓને દૂર કરી શકે છે. આ વોટરનું નોર્મલ બિહેવિયર નથી. જે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ ડિસેમ્બર-2018ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવી હતી, ત્યાં પણ ભાજપ જીતતી દેખાઈ રહી છે.
રાજકીય વિશ્લેષક કિદવઈએ કહ્યુ છે કે આ જીતની પાછળ નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહની પણ કારીગરી છે. તેમણે ઘણી મહેનત કરી છે. શિવસેનાને સહન કરી. તેમણે બિહારમાં પોતાની ખુદની બેઠકો છોડી. આના માટે મોટું દિલ જોઈએ. માટે જીતની રણનીતિ બનાવવા અને તેના પર મહેનત કરવાનો મોટો શ્રેય અમિત શાહને જાય છે. પ. બંગાળમાં ભાજપ એક સશક્ત ભૂમિકામાં આવશે. જો કે મમતા બેનર્જીએ પણ ચૂંટણી ઘણાં દમખમથી લડી છે.