Site icon hindi.revoi.in

સાંસદો ઓછા હોવાથી લોકસભામાં વિપક્ષના નેતાના પદની કોંગ્રેસ નહીં કરે માગણી

Social Share

નવી દિલ્હી:  કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે લોકસભામાં તેના સાંસદોની સંખ્યા વિપક્ષના નેતાના પદ માટે જરૂરી આંકડાથી ઓછી છે અને તે આના માટે દાવો કરશે નહીં. ગત લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદો હતા. માટે કોંગ્રેસને ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો મળી શક્યો ન હતો. આ વખતે પણ વિપક્ષના નેતા પદ માટે જરૂરી સાંસદોની સંખ્યા કોંગ્રેસ પાસે નહીં હોવાથી તે આના માટે દાવો રજૂ કરશે નહીં. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ માગણી પાર્ટી તરફથી રજૂ કરવામાં નહીં આવે.

રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યુ છે કે પુરતી સંખ્યા નહીં હોવાના કારણે સરકાર તરફથી અમે આવી કોઈ માગણી કરીશું નહીં. સૂરજેવાલાએ કહ્યુ છે કે આ સામાન્ય વ્યવસ્થા છે કે કુલ સાંસદ સંખ્યામાંથી 10 ટકા બેઠકો કોઈ એક પાર્ટી પાસે હોવી જોઈએ. તેના પછી જ વિપક્ષના નેતાનો દરજ્જો મળી શકે છે. સંખ્યા બળની દ્રષ્ટિએ કોંગ્રેસ પાર્ટી પાસે બે બેઠકો ઓછી છે. જો કે આ ઘણું બધું સરકાર પર જ નિર્ભર કરે છે કે શું તે સંખ્યા બળ ઓછું હોવા છતાં પણ કોઈ એક પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે દરજ્જો આપવા ચાહે છે કે નહીં.

સૂરજેવાલાએ એમ પણ કહ્યુ છે કે અમે અમારા તરફથી વિપક્ષના નેતા પદની માગણી કરવા જઈ રહ્યા નથી. તેના માટે જરૂરી 54 સાંસદોની સંખ્યા છે અને અમારી પાસે આનાથી બે સાંસદો ઓછા છે. જ્યાં સુધી અમે જરૂરી સંખ્યા સુધી પહોંચી જઈશું નહીં, અમારા તરફથી આના માટેની માગણી કરવામાં આવશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે કોંગ્રેસ સંસદીય દળની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીને ફરીથી ચૂંટવામાં આવ્યા છે.

આના પહેલા કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓનો જોશ વધારતા કહ્યુ હતુ કે ભલે અમારી સંખ્યા 52ની છે, પરંતુ અમે ગૃહમાં ભાજપ સામે એક-એક ઈંચ લડીશું. તેમણે કહ્યુ હતુ કે આપણે 52 સાંસદોએ સાથે મળીને સંઘર્ષ કરવાનો છે. ભલે સંખ્યામાં આપણે 52 છીએ, પરંતુ આ સંખ્યાબળથી આપણે ભાજપ સામે ઈંચ-ઈંચની લડાઈ લડવામાં સક્ષમ છીએ.

Exit mobile version