યુપીના રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાની જૌહર યુનિવર્સિટી પર પ્રશાસને ફરીથી દરોડાની કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી છે. બુધવારે પણ પ્રશાસનનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા મંગળવારે પણ પ્રશાસન દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તે વખતે મદરસા આલિયાના ચોરી કરવામાં આવેલા પુસ્તકો જૌહર અલી યુનિવર્સિટીની લાઈબ્રેરીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા.
મંગળવારે રામપુરમાં આઝમ ખાન દ્વારા સ્થાપિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી પર દરોડો પાડીને પોલીસે મદરસા આલિયાના ચોરવામાં આવેલા પુસ્તકો જપ્ત કર્યા હતા. આઝમખાન આ યુનિવર્સિટીમાં મુખ્ય ટ્રસ્ટી છે.
પોલીસની એક ટુકડી 10 વાહનોમાં મૌલાના જૌહર યુનિવર્સિટી પહોંચી અને સેન્ટ્રલ લાયબ્રેરીની તલાશી શરૂ કરી હતી. અહીંથી પોલીસે કેટલાક પુસ્તકોને જપ્ત કર્યા. કર્મચારીઓએ આનો વિરોધ કર્યો, તો તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. આરોપ છે કે આ તમામ પુસ્તકો મદરસા આલિયાની લાયબ્રેરીમાંથી ચોરી કરવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન પત્રકારોને પરિસરમાં દાખલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ બહાર આવીને પોલીસ અધિક્ષક ડૉ. અજય પાલે કહ્યુ કે મદરસામાં ચોરી કરવામાં આવેલા કેટલાક પુસ્તકો જૌહર યુનિવર્સિટીની લાયબ્રેરીમાંથી મળ્યા છે.
રામપુર જિલ્લા પ્રશાસન હવે સાંસદ આઝમખાનના હમસફર રિસોર્ટ પર પણ બુલડોઝન ચલાવવાની તૈયારીમાં છે. તેના માટે તેમણે નોટિસ જાહેર કરી દીધી છે. તેમા કહેવામાં આવ્યું છે કે તેમણે સિંચાઈ વિભાગના નાળાની એક હજાર ગજ જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર આઝમખાન પર સકંજો કસી રહ્યું છે. પાંચ દિવસ પહેલા તેમની જૌહર યુનિવર્સિટીના ગેટને તોડવાનો આદેશ આપ્યો હતો. હવે આઝમનું હમસફર રિસોર્ટ પણ પ્રશાસનના નિશાને આવી ગયું છે. જિલ્લાધિકારી આન્જનેય કુમાર સિંહે કહ્યુ છે કે હમસફર રિસોર્ટમાં એક હજાર ગજ જમીન પર કબજો કરવામાં આવ્યો છે. આઝમખાન પર પહેલેથી જ અજીમનગર પોલીસ સ્ટેશનમાં જમીન હડપવાને લઈને કુલ 27 કેસ નોંધાયેલા છે.