કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે શુક્રવારે સમસ્તીપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું, અમને એવો વડાપ્રધાન નથી જોઈતો જે અમીરોનો હોય, અમુક ઘરોનું જ ધ્યાન રાખતો હોય. અમારે રાહુલ ગાંધી જેવો વડાપ્રધાન જોઈએ છે, જે ગરીબીની વાત કરતો હોય. આ રેલીમાં રાહુલ ગાંધીએ જીએસટી, નોટબંધી, બેંક કૌભાંડ જેવા મુદ્દાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કોંગ્રેસની ન્યાય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, કોંગ્રેસની સરકાર બની તો ગરીબોને વર્ષના 72 હજાર મળશે. તેનો સૌથી વધુ ફાયદો બિહારની જનતાને થવાનો છે. આજકાલ ઇન્ક્રીમેન્ટનો જમાનો છે. દર મહિને પાંચ કરોડ પરિવારોને બેન્ક અકાઉન્ટમાં પહેલી તારીખે છ હજાર રૂપિયા મળશે. ચોકીદારે તમને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તે જૂઠ્ઠાણું હતું. 15 લાખ રૂપિયા આપવા પર દેશની અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે.
ચોકીદારે જીએસટી અને નોટબંધી કરીને ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેને નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાઓને આપી દીધા. હું તે પૈસા ગરીબોને આપીશ. પહેલા નારો ચાલતો હતો, અચ્છે દિન આવશે. તે બે-ત્રણ મહિના ચાલ્યો. હવે નારો ચાલી રહ્યો છે, ચોર હૈ, ચોકીદાર ચોર હૈ.
મોદી કહે છે કોંગ્રેસ વર્ષના 72 હજાર આપવા જઈ રહી છે, આ પૈસા મિડલ ક્લાસ પાસેથી લેવામાં આવશે. હું કહું છું કે એક પૈસો તમારા ખિસ્સામાંથી નહીં આવે. તમામ પૈસા અનિલ અંબાણી જેવાઓના ખિસ્સામાંથી નીકળશે.