Site icon Revoi.in

પહેલા અને બીજા તબક્કાના મતદાને સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઉડાવી દીધી: પશ્ચિમ બંગાળમાં મોદી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં જનસભા કરી. તેમણે કહ્યું કે પહેલા અને બીજા તબક્કામાં થયેલા વોટિંગે સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઉડાવી દીધી છે. મોદીએ કહ્યું કે, દીદી જો પુરાવાઓ જ શોધવા હોય તો ચિટફંડ કૌભાંડ અને ઘૂસણખોરોના પુરાવા શોધો. સૈનિકોની વીરતાના પુરાવાઓ શોધવાનું બંધ કરો. મોદી આજે ઉત્તરપ્રદેશમાં એટા અને બરેલી તેમજ બિહારના ફારબિસગંજમાં પણ રેલીઓ કરશે. યુપીમાં મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ સામેલ થશે.

બાલુરઘાટની જનસભાને સંબોધતા મોદીએ કહ્યું, “આખો દેશ કહી રહ્યો છે કે પશ્ચિમ બંગાળમાં કંઇક મોટું થવાનું છે. સ્પીડબ્રેકર દીદીને હવે 23 મે પછી સમજાઈ જશે કે જનતા સાથે ગુંડાગર્દી કરવી, તેમના પૈસા લૂંટવા અને વિકાસને અટકાવવાનું પરિણામ શું હોય છે. હું મીડિયામાં જોઈ રહ્યો હતો કે કેવી રીતે સામાન્ય લોકોએ, આપણી બહેનોએ ટીએમસીના ગુંડાઓને પાઠ ભણાવ્યો. તેમની ધમકીઓ છતાં ખેડૂતો, મજૂરો, વેપારીઓ, માતાઓ-બહેનો અને નવયુવાનો વોટ આપવા માટે નીકળી પડ્યા. બંગાળમાં પહેલા અને બીજા તબક્કામાં મતદાનનો જે રિપોર્ટ આવ્યો છે તેણે સ્પીડબ્રેકર દીદીની ઊંઘ પર પણ લગામ લગાવી દીધી છે.

મોદીએ કહ્યું, “આ ધૂંધવાટમાં કેવા પ્રકારના જઘન્ય અપરાધ થઈ રહ્યા છે, તે પણ દેશ જોઈ રહ્યો છે. પુરૂલિયામાં અમારા એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી. હું પશ્ચિમ બંગાળના દરેક બીજેપી કાર્યકર્તા અને રાજ્યના લોકોને ખાતરી આપું છું કે ન્યાય થશે. જે લોકો આવા કામો માટે જવાબદાર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શું ક્યારેય ભારતમાં એવું થયું છે કે દુનિયાના કોઈ દેશના લોકો ભારતમાં આવીને પ્રચાર કરે? પોતાની વોટબેન્ક માટે, તુષ્ટિકરણ માટે દીદી કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.”

વડાપ્રધાને કહ્યું, “તમે લોકોએ મમતા દીદી પર બહુ વિશ્વાસ કર્યો, પરંતુ તેમણે તમારી મા, માટી અને માનુષના નામ પર ફક્ત દગો જ આપ્યો છે. આ ભૂલ તમે જ નહીં મેં પણ કરી. જ્યારે હું તેમને ટીવી પર જોતો હતો તો કે ક્યારેક મળતો હતો તો લાગતું હતું કે તેઓ સાદગીની મૂર્તિ છે, બંગાળનું ભલું ઇચ્છે છે. લેફ્ટિસ્ટો પાસેથી બંગાળની મુક્તિ ઇચ્છે છે. વડાપ્રધાન બન્યા પછી જ્યારે મેં તેમના કામ જોયા તો મારું માથું શરમથી ઝૂકી ગયું. હવે હું પણ તેમને ઓળખી ગયો છું અને બંગાળનો તો દરેકે દરેક બાળક પણ ઓળખે છે. પહેલા ગરીબોના પરસેવાની કમાણી નારદા, સારદા અને રોઝેવેલીએ લૂંટી લીધી. પછી દીદીએ કૌભાંડકારીઓને જ ધારાસભ્ય-સાંસદ બનાવી દીધા. તમારો આ ચોકીદાર પાઈ-પાઈનો હિસાબ લેશે. હવે આ લોકો ગમે એટલું જોર લગાવી લે, ન્યાય થતો રોકી નહીં શકે.”

મોદીએ કહ્યું, “જે રીતે ફોઈ-ભત્રીજો મળીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિને, અહીંના લોકોને બદનામ કરી રહ્યા છે તે શમજનક છે. દીદીની પાસે ગુંડાઓને આપવા માટે પૈસા છ, પરંતુ કર્મચારીઓને ડીએ આપવાના પૈસા નથી. દિલ્હીની કેન્દ્ર સરકારે સાતમું પગારપંચ લાગુ કરી દીધું. બાજુના રાજ્ય ત્રિપુરાએ પણ ભાજપની સરકાર બનતા જ સાતમું પગારપંચ લાગુ કરી દીધું. પરંતુ અહીંયા દીદી છઠ્ઠું પગારપંચ પણ લાગુ નથી કરતી. તે કહે છે કે પશ્ચિમ બંગાળનું મોડલ આખા દેશમાં લાગુ કરવા માંગે છે.”

“જ્યાં ગરીબોને ગરીબ રાખવાનું ષડ્યંત્ર થાય છે, જ્યાં ગરીબની કમાણીને ટીએમસી નેતાઓ લૂંટી લે છે, જ્યાં પૂજા કરવી અને યાત્રાઓ કાઢવી મુશ્કેલ બને છે, જ્યાં તુષ્ટિકરણ માટે બીજા દેશના લોકોને બોલાવીને ચૂંટણી પ્રચાર કરાવવામાં આવે છે. શું પહેલા ક્યારેય એવું થયું છે કે કોઈ બીજા દેશનો વ્યક્તિ અહીંયા આવીને પ્રચાર કરે? એવું મોડેલ દેશ માટે તો દૂર પશ્ચિમ બંગાળ માટે પણ મંજૂર નથી. દેશને એવા વિકાસ મોડેલ જોઈએ, જ્યાં બધાને સુરક્ષા અને સન્માન મળે. જેનાથી દુનિયા ભારતનો જયકાર કરે.”

મોદીએ કહ્યું, “23 મેના રોજ ચૂંટણીના પરિણામ આવશે. ત્યારે ફરી એકવાર મોદી સરકાર બનશે અને અમે ઘૂસણખોરોને રોકવા માટે, તેમને ઓળખવા માટે વધુ કડક પગલાંઓ ભરવાના છીએ. સરહદ પર ફેન્સિંગના કામમાં જે લોકો વિઘ્નો નાખી રહ્યા છે, તેમને પણ અમે સચ્ચાઈ બતાવી દઈશું. નાગરિકત્વ કાયદાને લઈને ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે દેશના ભાગલા થયા તો મા ભારતીમાં શ્રદ્ધા રાખનારા હજારો-લાખો લોકો ત્યાં રહી ગયા.”

“નેતાઓએ તેમને કહ્યું હતું કે તમને અહીંયા તમામ સુવિધાઓ મળશે, પરંતુ તે નેતાઓએ પોતાનું વચન ન નિભાવ્યું અને પોતાનાઓને જ પારકા બનાવી દીધા. આ લોકો જે મા ભારતીની જય બોલે છે તેઓ ક્યાં જશે. જેમના પર તેમની શ્રદ્ધા માટે જુલમો થઈ રહ્યા છે તેઓ ક્યા જશે. તેમને નરકમાંથી કાઢવા એ દરેક હિંદુસ્તાનીનું કર્તવ્ય છે. એટલે અમે નાગરિકત્વ કાયદો સંસદમાં પાસ કરાવીને જ રહીશું.”