રક્ષામંત્રી
રાજનાથ સિંહ કાલે સિયાચિનના પ્રવાસે જશે. કેબિનેટ મંત્રી બન્યાં પછી આ તેમની પહેલી
મુલાકાત છે. આ દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે હશે. રાજનાથ
સિંહે શનિવારે જ રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. રાજનાથ આ પહેલાં મોદી
સરકારમાં ગૃહ મંત્રી હતા. આ વખતે આ મંત્રાલયની જવાબદારી ભાજપ અધ્યક્ષ અમિત શાહને
સોંપવામાં આવી છે. શાહ પહેલી વખત કેબિનેટમાં સામેલ થયા છે.
પદભાર સંભાળતા પહેલાં રાજનાથ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જઈને
શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પદભાર સંભાળ્યા બાદ રાજનાથે રાવત, એર ચીફ
માર્શલ બીએસ ધનોઆ અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ સાથે મુલાકાત કરી હતી. તેઓએ
ત્રણેય સેના પ્રમુખોને પોતપોતાના દળોના પડકાર અને કામકાજ પર અલગ અલગ રિપોર્ટ તૈયાર
કરવાનું કહ્યું હતું. જેની ટૂંક સમયમાં જ એક બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
ગયા વર્ષે મોદી સરકારમાં રક્ષા મંત્રી રહેલા નિર્મલા સીતારામને સિયાચિનમાં સૈનિકોની સાથે દશેરા મનાવી હતી. સીતારામને 30 સપ્ટેમ્બર, 2017નાં રોજ સિયાચિન અને લદ્દાખની અગ્રીમ ચોકીઓ પર સૈનિકો સાથે તહેવારો ઊજવ્યા હતા. સાથે જ તેમણે લેહને કારાકોરમ સાથે જોડતાં એક પુલનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે સરકાર દરેક સમયે અને તમામ પરિસ્થિતિઓમાં સેના અને તેમના પરિવારની સાથે છે. 2014માં પહેલી વખત વડાપ્રધાન બનેલાં મોદીએ પણ સિયાચિનમાં સૈનિકોની સાથે દિવાળી ઊજવી હતી.