- નેપાળમાં હિંદુ રાજાશાહી ઉખાડવાનો મામલો
- રાજીવ ગાંધીએ બનાવ્યો હતો પ્લાન
- રૉના પૂર્વ અધિકારી અમર ભૂષણના પુસ્તકમાં દાવો
હિંદુ રાષ્ટ્ર રહેલા નેપાળની હિંદુ રાજાશાહીને ઉખાડી ફેંકવામાં રાજીવ ગાંધીની સરકારની મહત્વની ભૂમિકા હતી. ભારતીય ગુપ્તચર એજન્સી રૉએ 1990માં નેપાળમાં એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તેનો ઉદેશ્ય નેપાળમાંથી રાજાશાહીને હટાવવાની લોકશાહીની સ્થાપના કરવાનો હતો. રૉના ભૂતપૂર્વ સ્પેશયલ ડાયરેક્ટર અમર ભૂષણે પોતાના પુસ્તક ઈનસાઈડ નેપાળમાં લખ્યું છે કે રૉએ એ વાતની પુરી કોશિશ કરી હતી કે નેપાળમાં અરાજક તત્વ રાજાશાહી- વિરોધી અભિયાનનો ફાયદો ઉઠાવે નહીં.
નેપાળની જનતાએ રાજાશાહીના અધિકારોમાં ઘટાડો કરવા અને લોકશાહીની સ્થાપના કરવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વવાળી સરકાર ઈચ્છતી હતી કે ભારત આ કાર્યમાં નેપાળની જનતાનો સહયોગ કરે. રૉએ નેપાળના તમામ રાજકીય પક્ષો અને સંગઠનો વચ્ચે એકતા બનાવી રાખવા માટે મહેનત કરી હતી. ગુપ્ત ઓપરેશન માટે રૉના ઈસ્ટર્ન બ્યૂરોના ચીફ તરીકે ભૂષણે પણ પોતાનું નામ જીવનાથન રાખ્યું હતું. આ નામથી તેમણે ઘણાં લોકોને રાજાશાહી વિરુદ્ધ અભિયાન માટે પ્રશિક્ષિત કર્યા હતા.
નેપાળના તત્કાલિન રાજા બીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવ પર કોઈ દબાણ કામ કરી રહ્યું ન હતું. આના માટે ભારત સરકાર દ્વારા કૂટનીતિક રીતરસમો પણ અપનાવવામાં આવી. પરંતુ બધું બેકાર સાબિત થયું હતું. બાદમાં ભારત સરકારે નેપાળમાં ખાદ્ય સામગ્રીની સપ્લાય રોકવાનો નિર્ણય કર્ય હતો, જેથી રાજા પર દબાણ ખીને જનતા પ્રત્યે જવાબદાર બનાવવાના પ્રયાસનો અસરકારક બનાવી શકાય. નેપાળના રાજા મદદ માટે ચીન સુધી પહોંચી ગયા હતા. ભારત ક્યારેય ઈચ્છતું ન હતું કે પાડોશી દેશોમાં સામ્રાજ્યવાદી ચીનનો પ્રભાવ મજબૂત થાય.
બાદમાં ભારત સરકારે રૉ પ્રમુખ એ. કે. વર્માને આ કામગીરી સોંપી હતી. તેમણે પોતાના સૌથી વિશ્વસ્ત અધિકારી જીવનાથનને આની જવાબદારી આપી હતી. બાદમાં જીવનાથને નેપાળમાં રાજાશાહીની પાંખો કાપીને લોકશાહીની સ્થાપનાના પ્રયાસો શરૂ કર્યા હતા. જીવનાથને સરકારને ભરોસો અપાવ્યો કે જે કામ કૂટનીતિજ્ઞ અને રાજદ્વારીઓ કરી શક્યા નહીં, તે કામ રૉ કરી દેખાડશે. આના પહેલા રૉના ઈસ્ટર્ન યુનિટને ક્યારેય મહત્વ મળ્યું ન હતું.
રૉએ માઓવાદી નેતા પુષ્પકમલ દહલ પ્રચંડને લોભાવવા માટે તમામ શક્તિ લગાવી દીધી હતી. જેથી તેઓ રાજાશાહીની વિરુદ્ધની લડાઈમાં બાકીના રાજકીય પક્ષોનો સાથ આપે. પ્રચંડ આગળ ચાલીને બે વખત (ઓગસ્ટ – 2016થી જૂન- 2017, ઓગસ્ટ-2008થી મે-2009) નેપાળના વડાપ્રધાન પણ બન્યા હતા. ઘણી બેઠકો બાદ રૉ પ્રચંડને મનાવવામાં કામિયાબ રહ્યું હતું, કારણ કે તેઓ છૂપાઈને રહેતા હતા અને તેમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ પ્રક્રિયામાં મહિનાઓ લાગી ગયા હતા.
જીવનાથનની સાથે થયેલી એક બેઠકમાં પ્રચંડે સવાલ પણ પુછયો હતો કે નેપાળ રાજાશાહી હેઠળ રહે અથવા તો લોકશાહી અંતર્ગત, આનાથી ભારતને આખરે શું મતલબ છે? ખેર, ઓપરેશન સમાપ્ત થતાની સાથે જ જીવનાથન ગાયબ થઈ ગયા. તેમણે પોતાને સોંપવામાં આવેલી કામગીરી અંતર્ગત પોતાના તાબા હેઠળ કામ કરી રહેલા લોકોને સ્પષ્ટ કહી દીધું કે તેઓ એવું સમજે કે કોઈ જીવનાથન હતો જ નહીં. નેપાળના ઘણાં નેતા જીવનાથને શોધતા ભટકી રહ્યા હતા. પરંતુ જીવનાથન તો કોઈ હતું જ નહીં.