કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ રવિવારે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમાર વિરુદ્ધ કરોડો રૂપિયાના શારદા ચિટફંડ કૌભાંડ મામલે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. સોમવારે તેમને સીબીઆઇ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તે પહેલા બંગાળ સીઆઇડીએ એક પત્ર લખીને તપાસ એજન્સીને જણાવ્યું કે રાજીવકુમાર કોઈ વ્યક્તિગત કામથી પોતાના ઘરે યુપીમાં છે અને હાલ રજા પર છે એટલે હાજર થઈ શકે એમ નથી. સીઆઇડીએ પોતાના પ્રમુખના હાજર થવા માટે 3 દિવસની મહોલત માંગી છે.
બીજી બાજુ સીબીઆઇએ આ અઠવાડિયે સર્ક્યુલર જાહેર કર્યું છે જેમાં તમામ એરપોર્ટ્સ અને ઇમિગ્રેશન અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ રાજીવકુમારને એક વર્ષ માટે દેશ છોડવાની પરવાનગી ન આપે અને જો તેઓ વિદેશ જવાનો પ્રયત્ન કરે તો તેમની અટકાયત કરવામાં આવે.
સીબીઆઇ રાજીવકુમારને કસ્ટડીમાં લઇને તેમની પૂછપરછ કરવા માંગે છે. આ સ્થિતિમાં રાજીવકુમારની ધરપકડ પણ થઈ શકે છે કારણકે તપાસ એજન્સી શરૂઆતથી જ કહી રહી છે કે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમાર તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. રાજીવકુમારની તાજેતરમાં જ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી હતી, જોકે હવે તેમને કોલકાતા પોલીસ સીઆઇડીમાં જવાની પરવાનગી આપી દેવામાં આવી છે કારણકે ચૂંટણીની આચારસંહિતા હવે તેમના પર લાગુ નથી થતી.
સૂત્રોએ જાણકારી આપી છે કે રાજીવકુમાર સોમવારે બારાસાતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી આપી શકે છે. જો કોર્ટ પાસેથી તેમને આગોતરા જામીન મળી જાય તો સીબીઆઇ રાજીવકુમારની ધરપકડ નહીં કરી શકે.
શારદા કૌભાંડમાં જેમના પર આરોપ લાગ્યા છે તેમના પર અત્યાર સુધી આપરાધિક દંડસંહિતાની કલમ 160 હેઠળ કાર્યવાહીની જોગવાઈ છે. આ કલમ હેઠળ સાક્ષી તરીકે આરોપીઓને સમન કરવામાં આવે છે પરંતુ રાજીવકુમારના મામલે એવું નથી. તેમને આપરાધિક દંડસંહિતાની કલમ 41 હેઠળ સમન કરવામાં આવ્યા છે અને તેમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. રાજીવકુમાર વિરુદ્ધ આ કલમ કેમ લગાવવામાં આવી છે તેના વિશે સીબીઆઇના સૂત્રો જણાવે છે કે સુપ્રીમ કોર્ટમાં તેમને આરોપી માનીને કેસ ફાઇલ કરવામાં આવ્યો છે, એટલે આ કલમ લગાવી છે.
સીબીઆઇએ શારદા ચિટફંડ કૌભાંડની તપાસ બારાસાત કોર્ટમાં શિફ્ટ કરી છે કારણકે અલીપુરમાં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ હોવા છતાંપણ ત્યાં સુનાવણીમાં ઘણી અડચણો આવી રહી છે. રાજીવકુમારની કાયદાકીય ટીમમાં સુપ્રીમ કોર્ટના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે જે પોતાની દલીલો રજૂ કરશે.