Site icon Revoi.in

રાહુલ ગાંધીના રોડ શૉમાં લોકોના સૂત્રોચ્ચાર- “ચોકીદાર પ્યોર હૈ, ઉનકા આના શ્યોર હૈ”

Social Share

ધનબાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ધનબાદમાં પાર્ટીના ઉમેદવાર કીર્તિ આઝાદના સમર્થનમાં રોડ શૉ વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. રાહુલ ગાંધીનો કાફલો લોકોનું અભિવાદન ઝીલતો આગળ વધી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ પીએમ મોદી જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચોકીદાર ચોર હૈ-ના સૂત્રોચ્ચારને પીએમ મોદી જિંદાબાદના સૂત્રોથી જવાબ આપવામાં આવ્યો હતો. આ વખતે મકાનની છતો પર અને સડકના કિનારે ઉભેલા લોકોએ નરેન્દ્ર મોદી જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા.

એક ન્યૂઝચેલનના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીના રોડ શૉમાં લોકોને ત્યાં સુધી કહેતા સાંભળવામાં આવ્યા હતા કે ચોકીદાર પ્યોર હૈ, ઉનકા આના શ્યોર હૈ. જો કે મોદીના સમર્થનમાં થઈ રહેલા સૂત્રોચ્ચાર તરફ રાહુલ ગાંધીએ ધ્યાન આપ્યા વગર પોતાનો કાફલો આગળ વધાર્યો હતો.

કીર્તિ આઝાદના ટેકામાં રોડ શૉ કરવા માટે મંગળવારે પહોંચ્યા હતા. તેમનો રોડ શો ધનબાદના મટકુરિયા ચેકપોસ્ટથી બેંકના વળાંક સુધી ચાલ્યો હતો. રોડ શો દરમિયાન સેંકડો કાર્યકર્તાઓ તેમની કારની સાથે ચાલતા રહ્યા હતા. ઝારખંડના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડૉ. અજય કુમાર અને કીર્તિ આઝાદ રાહુલ ગાંધી સાથે કારમાં જ હાજર હતા. આ પહેલા પ્રસંગ હતો કે જ્યારે કોઈ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ ધનબાદમાં રોડ શૉ માટે પહોંચ્યા હોય. જો કે સમયના અભાવને કારણે રાહુલ ગાંધી જનતાને સંબોધિત કરી શક્યા નહીં.

આરજેડી, કોંગ્રેસ,આરએલએસપી સહીતના વિપક્ષી મહાગઠબંધનની બેઠક વહેંચણીની વ્યવસ્થા પ્રમાણે કીર્તિ આઝાદ ધનબાદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્ય છે. તેઓ બિહારની દરભંગા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રહી ચુક્યા છે. તો રાહુલ ગાંધીના રોડ શૉના વખાણ કરતા ધનબાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ રવિન્દ્ર વર્માએ કહ્યુ છે કે રોડ શૉ સફળ રહ્યો છે. આ મામલામાં કોંગ્રેસના એક કાર્યકર્તા પ્રશાંતકુમાર દુબેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીના કાર્યક્રમે માત્ર તમામ જૂથવિરોધી નેતાઓને એકજૂટ કર્યા છે,પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ઉત્સાહીત કર્યા છે.