સાતમા અને છેલ્લા તબક્કા માટે રાજકીય પાર્ટીઓ સંપૂર્ણ તાકાત લગાવી રહી છે ત્યારે આરોપ-પ્રત્યારોપ પણ વધી ગયા છે. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સતત ખેડૂતોના દેવાંમાફીને લઇને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ તેમના પર જબરદસ્ત પલટવાર કર્યો છે. રાહુલે ઉજ્જૈનની એક ચૂંટણીરેલીમાં મંચ પરથી કેટલાક ફોર્મ્સ બતાવ્યા અને દાવો કર્યો કે આ ફોર્મ શિવરાજસિંહ ચૌહાણના પરિવારના છે, જે દેવાંમાફી માટે ભરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યું, ‘અમે તૈયારી કરીએ છીએ. અમે તૈયારી કરીને બોલીએ છીએ.’ ત્યારબાદ રાહુલ ગાંધીએ સ્ટેજ પર ઊભેલા રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ તરફ કેટલાક પેપર્સ લંબાવીને કહ્યું, ‘કમલનાથજી જરા જણાવો તો આમાં કોના નામ છે?’
ત્યારબાદ કમલનાથ હાથમાં પેપર લઇને માઇક પર આવ્યા અને ફોર્મમાં લખેલા નામો વાંચ્યા. કમલનાથે નામો વાંચતા કહ્યું, ‘રોહિત સિંહ, ગામનું નામ ગૈર, તેમનું દેવું માફ થયું છે. આ કોણ છે, શિવરાજસિંહના ભાઈ છે. સગા ભાઈ છે.’ પછી રાહુલ ગાંધીએ કમલનાથને બીજું ફોર્મ પકડાવ્યું અને તેનું નામ-સરનામું જણાવવા કહ્યું. કમલનાથે બીજું ફોર્મ લઇને કહ્યું, ‘નિરંજનસિંહ, ગામનું નામ ગૈર. કોણ છે, શિવરાજસિંહના ભત્રીજા છે.’
પછી કમલનાથ બંને ફોર્મ લઇને માઇક પરથી પાછા વળ્યા. રાહુલ ગાંધીએ તેમની પાસેથી ફોર્મ્સ પાછા લઇને ફરીથી જનતાને બતાવતા કહ્યું, ‘હું તમને બરાબર બતાવી દઉં છું. (ફોર્મ બતાવીને) શિવરાજસિંહના પરિવારનું દેવું કોંગ્રેસ પાર્ટીએ માફ કર્યું છે અને શિવરાજ ચૌહાણજી મધ્યપ્રદેશને જૂઠ્ઠું બોલી રહ્યા છે કે દેવું માફ નથી થયું. અને જુઓ, કોંગ્રેસ પાર્ટીનું દિલ જુઓ. નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતી છે, કોંગ્રેસ પાર્ટીનું દિલ 56 ઇંચનું છે.’
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 15 વર્ષ પછી ભાજપ સરકારને સત્તામાંથી બહાર કરી હતી. રાજ્યમાં ખેડૂતોનાં દેવાંમાફીને કોંગ્રેસે મોટો મુદ્દો બનાવ્યો હતો અને માનવામાં આવે છે કે પાર્ટીને તેનો જ લાભ થયો હતો.