રાંચી : મહારાષ્ટ્રની પુણે પોલીસે ઝારખંડની રાજધાની રાંચી ખાતે ફાધર સ્ટેન સ્વામીના નિવાસસ્થાને પર દરોડો પાડયો છે. આ દરોડો ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં થયો છે. પોલીસે ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહીત કેટલીક સામગ્રીને જપ્ત કરી છે.
પહેલી જાન્યુઆરી-2018ના રોજ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલી જાતિગત હિંસા ભડકાવવામાં કથિત ભૂમિકા માટે ઘણાં કાર્યકર્તાઓને ઓગસ્ટ-2018માં અલગ-અલગ સ્થાનો પરથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ હુલ્લડોના મામલામાં નક્સલ સમર્થકોની ભાગીદારીની ચાલી રહેલી તપાસ સંદર્ભે માનવાધિકારવાદી કાર્યકર્તા ક્રાંતિ, સ્ટેન સ્વામી અને આનંદ તેલતુંબડે સહીતના ઘણાં અન્યોની વિરુદ્ધ પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પુણે પોલીસે ગત વર્ષ જૂનમાં કથિતપણે પાંચ લોકોમાંથી એક વ્યક્તિના ઘરે મોદીની હત્યાના ષડયંત્રવાળો એક પત્ર જપ્ત કર્યો હતો. આ પાંચ લોકોને ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા મામલામાં એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
જપ્ત કરવામાં આવેલા પત્રમાં કથિતપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની તર્જ પર કરવાની વાત કહેવામાં આવી હતી. આ પત્રને લખનાર વ્યક્તિની ઓળખ માત્ર ‘આર’ સ્વરૂપે કરવામાં આવી છે.
પુણે પોલીસની ટીમોએ લગભગ અડધો ડઝન રાજ્યોમાં ઘણાં લોકોના નિવાસસ્થાન અને કાર્યલયો પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ લોકો પર યલગાર પરિષદ સાથે સંબંધ રાખવાનો અને નક્સલ સમર્થક હોવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસે તેમની પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, સીડી, દસ્તાવેજ અને પુસ્તકોને જપ્ત કરીને દાવો કર્યો છે કે આ તમામ નક્સલીઓ માટે અર્બન થિંકટેન્ક તરીકે કામ કરી રહ્યા હતા.