જબરદસ્તી ‘જય શ્રીરામ’ના નારા લગાવવાને લઇને દેશભરમાંથી સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન પ્રખ્યાત ડોક્ટર અને લેખક ડૉ. અરૂણ ગડરે પર પણ રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર કનોટ પ્લેસમાં અજાણ્યા લોકોએ જબરદસ્તી જય શ્રીરામના નારા લગાવવાનું દબાણ કર્યું. આ ઘટના 26 મેની સવારની છે પરંતુ, સતત સોશિયલ મીડિયા પર તેના ઉપર ચર્ચા ચાલુ છે.
અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’ પ્રમાણે, 26મેની સવારે જ્યારે તેઓ દિલ્હીમાં કનોટ પ્લેસ પાસેથી પસાર થઈ રહ્યા હતા તો હનુમાન મંદિરની સામે 5-6 યુવકો આવ્યા અને તેમનો ધર્મ પૂછવા લાગ્યા. એટલું કહેતા જ તેમણે જય શ્રીરામના નારા લગાવવા માટે મજબૂર કર્યા. જોકે, તેમણે આ ઘટનાને લઇને અધિકૃત રીતે પોલીસમાં રિપોર્ટ નથી નોંધાવ્યો.
ડૉ. અરૂણ ગડરે પુણે નિવાસી છે અને સ્ત્રી રોગના એક્સપર્ટ ડોક્ટર છે. તેમના દોસ્ત અને વરિષ્ઠ પત્રકાર અનંત બગનેતકરે આ ઘટના વિશે દરેકને જણાવ્યું છે.
અનંતના જણાવ્યા પ્રમાણે, ‘ડૉ. અરૂણને બિજનૌરમાં એક લેક્ચર આપવાનું હતું, આ માટે તે જંતર-મંતર પાસે રોકાયા હતા. 26મીની સવારે કેટલાક લોકોએ તેમને જબરદસ્તી જય શ્રીરામના નારા લગાવવા માટે કહ્યું.’
મામલો સામે આવ્યા પછી ડૉ. અરૂણે પણ પોતાનું એક નિવેદન જાહેર કર્યું અને આખા મામલાને સમજાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટના થવાથી તેઓ આશ્ચર્યમાં હતા, પરંતુ કોઈ પ્રકારની બબાલ નહોતા ઇચ્છતા.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘણી ઘટનાઓ આટલા દિવસથી ચર્ચામાં છે. ગત દિવસોમાં હરિયાણાના ગુરૂગ્રામમાં પણ એવી જ ઘટના સામે આવી હતી, જ્યાં એક મુસ્લિમ યુવક પાસે કેટલાક યુવાનોએ જબરદસ્તી જય શ્રીરામના નારા લગાવવા માટે કહ્યું. આવું ન કરવા પર છોકરાઓએ મુસ્લિમ યુવક સાથે મારપીટ પણ કરી. ગુરૂગ્રામ ઉપરાંત મધ્યપ્રદેશના સિવનીની ઘટનાએ પણ દરેકને આશ્ચર્યમાં નાખી દીધા છે.