વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના ઓસકા પહોંચ્યા છે. અહીં તેમણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી છે. આબેએ પીએમ મોદીને ચૂંટણીમાં મોટી ઝીત પ્રાપ્ત કરવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેની સાથે જાપાનના વડાપ્રધાને કહ્યુ છે કે આગામી વખતે ભારત આવવાનો મારો વારો છે અને હું મારી યાત્રાની રાહ જોઈ રહ્યો છું. જી-20 શિખર સંમેલન 27થી 29 જૂન સુધી અહીં આયોજીત થઈ રહ્યું છે. યૂરોપિયન યૂનિયન સહીત 19 દેશ તેમા ભાગ લઈ રહ્યા છે. આ વખતે શિખર સંમેલનનો વિષય હ્યુમન સેન્ટ્રડ ફ્યૂચર સોસાયટી છે.
પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા બાદ તેમને ધન્યવાદ કહયા હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓ ભારતના પહેલા દોસ્ત છે, જેમણે ફોન પર તેમને સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યુ છે કે હું તમારો અને જાપાન સરકારનો ઉષ્માભેર સ્વાગત કરવા બદલ આભાર માનું છું.
પીએમ મોદીએ કાનસાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટ્વિટ કરીને જી-20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચવાની જાણકારી આપી હતી. તેમણે જાપાન પહોંચવા પર ભારતીય સમુદાયના ઉષ્માભેર સ્વાગત કરવા બદલ પણ આભાર વ્યક્ત કર્યો છે.
એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ મોદી-મોદીના સૂત્રો લગાવ્યા અને ભવ્ય સ્વાગત કર્યું હતું. મોદીએ પણ અહીં ભારતીય સમુદાયના લોકોનું અભિવાદન કર્યું હતું.
આ પહેલા જી-20 શિખર સંમેલન માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે મહિલા સશક્તિકરણ, ડિજિટલાઝેશન અને જળવાયુ પરિવર્તન જેવા મુખ્ય પડકારોના સમાધાન આ બેઠકના મુખ્ય મુદ્દા હશે. તેમણે કહ્યુ છે કે વૈશ્વિક નેતાઓ સાથે દુનિયાના મુખ્ય પડકારો અને અવસરો પર ચર્ચા માટે તેઓ ઉત્સુક છે.
જી-20 શિખર સંમેલન દરમિયાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સિવાય વિશ્વના ઘણાં મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. પીએમ મોદી શુક્રાવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ત્રિપક્ષીય વાટાઘાટો કરશે.