- દક્ષિણ ભારતીય વેશભૂષામાં પીએમ મોદી
- જિનપિંગનું મહાબલિપુરમ ખાતે કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત માટે તમિલનાડુના મહાબલિપુરમ પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના ખાસ પરિધાન વેશ્ટીમાં જોવા મળ્યા છે.
મહાબલિપુરમમાં થઈ રહેલી આ અનૌપચારીક મુલાકાતમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ સાદા કપડામાં જોવા મળ્યા હતા. મહાબલીપુરમને અર્જુનની તપોભૂમિ ગણવામાં આવે છે. અહીં અર્જુને તપસ્યા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને મહાબલિપુરમના મહાત્મ્ય સંદર્ભે જાણકારી આપી હતી. અહીં મહાભારતકાળમાં અર્જુને તપસ્યા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિનપિંગને નક્કર શિલાઓને કંડારીને બનાવવામાં આવેલા પચ રથ અને શોર મંદિરમાં પણ લઈ ગયા હતા. તેમણે આ સ્થાનોના મહત્વની પણ જાણકારી આપી હતી. આ પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના ભારત પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની ભાષામાં ટ્વિટ પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે વેલકમ ટૂ ઈન્ડિયા, પ્રેસિડેન્ટ શી જિનપિંગ.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની આ પહેલી ભારત મુલાકાત છે. કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય રંગ આપવાની પાકિસ્તાનની કોશિશમાં ચીન જ એકમાત્ર દેશ હતો, જેણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.