Site icon Revoi.in

આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન, 96% વરસાદની સંભાવના: હવામાન વિભાગ

Social Share

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે તેમજ એવો અંદાજ છે ચોમાસાના ચાર મહિના દરમિયાન લાંબાગાળાનો સરેરાશ 96 ટકા વરસાદ પડશે. હવામાન વિભાગે સોમવારે આ વર્ષના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું પહેલું પૂર્વાનુમાન જાહેર કર્યુ.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રાજીવન અને ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. કે.જે. રમેશે જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન છે. લાંબાગાળાનો સરેરાશ 96 ટકા વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. વર્ષ 1951થી 2000 સુધી ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ વરસાદ 890 મિલીમીટર છે.

તેમણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલનીનોની પરિસ્થિતિ નબળી રહેવાના અને ચોમાસાના છેલ્લા બે મહિનાઓમાં તેની તીવ્રતા ઓછી રહેવાના આસાર છે. આ વખતે ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે જે આગામી ખરીફ ફસલો માટે લાભદાયક રહેશે.

આ પહેલા પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે 2019માં દેશમાં મોનસૂન સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસામાં લાંબાગાળાનો સરેરાશ 93% વરસાદ પડી શકે છે. તેમાં 5 ટકા જેટલો વધારો કે ઘટાડો પણ થઈ શકે છે. જૂન-સપ્ટેમ્બરની વચ્ચે મોનસૂનમાં લાંબાગાળાના સરેરાશ 887 મિલીમીટરની સરખામણીએ ઓછો વરસાદ પડશે. મોનસૂનના સામાન્યથી ઓછા રહેવાના 55%થી વધુ આસાર છે.

આ પહેલા સ્કાયમેટે 25 ફેબ્રુઆરી, 2019ના રોજ રિપોર્ટ જાહેર કરીને આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં હાલની પરિસ્થિતિને જોતા મોનસૂન સામાન્ય રહેવાના સંકેત મળ્યા હતા. એટલે સામાન્ય ચોમાસાનું અનુમાન દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ, હાલની પરિસ્થિતિઓમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે.