ભારતમાં ભીષણ ગરમીનો કેર સતત ચાલુ છે. ઉત્તર અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીની પાર પહોંચી ગયું છે. જો કે આજે મંગળવારે થોડીક રાહતની આશા છે. 6 જૂને કેરળમાં મોનસૂન દસ્તક દે તેવી આશા છે. 31 મે સુધી પ્રી-મોનસૂન વરસાદ બેહદ ઓછો થયો છે.
માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ માસમાં 25 ટકા ઘટાડાની સાથે અત્યાર સુધીમાં માત્ર 99 મિલિમીટર જ વરસાદ થયો છે. જ્યારે વરસાદનું સામાન્ય સ્તર 131.5 મિલિમીટર થવાનું હતું. દેશના તમામ ચાર ક્ષેત્રો-ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત, પૂર્વ-પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનુક્રમે 30 ટકા, 18 ટકા, 14 ટકા અને 47 ટકાનો ઘટાડો થયો છે.
65 વર્ષમાં બીજી વખત પ્રી-મોનસૂનમાં આટલો ઘટાડો અને દુકાળની સ્થિતિ પેદા થઈ છે. 1954 બાદ આવું બીજી વખત બન્યું છે, જ્યારે પ્રી-મોનસૂન વરસાદ આટલો ઓછો થયો છે. તે વખતે 93.9 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. તેના પછી 2012માં 90.5 મિલિમીટર વરસાદ થયો હતો. હવે સાત વર્ષ બાદ 2019માં 99 મિલિમીટર વરસાદ થયો છે.
એટલું જ નહીં, આ વર્ષે બે વર્ષમાં સૌથી મોટી સમાનતા એ પણ રહી છે કે આ બે વર્ષ અલ નીનો વર્ષના રહ્યા છે. માનવામાં આવે છે કે અલ નીનો મોનસૂન પર પોતાની અસર પાડે છે. સ્કાઈમેટ મુજબ, મોનસૂનનું આવવું અને વરસાદમાં થોડો ઘટાડો થવાનું અસલી કારણ અલ નીનોની અસર છે. સ્કાઈમેટ પ્રમાણે, 2009માં માઈલ્ડ અલ નીનો જોવામાં આવ્યું હતું, જેમાં નીનો 3.4 સૂચકાંક સાથે 0.5 ડિગ્રી સેન્ટિગ્રેડ અને 0.7 ડિગ્રી સેન્ટિગ્રેડ વચ્ચે હતું. તેનાથી 22 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
2019 સુધીમાં પેસિફિક મહાસાગરમાં અત્યાધિક ગરમી જોવા મળી રહી છે. અલ નીનો 3. સૂચકાંકોની સાથે અત્યાર સુધીમાં 0.7 ડિગ્રી સેન્ટિગ્રેડથી 0.9 સેન્ટિગ્રેડ વચ્ચે છે. સ્કાઈમેટ પ્રમાણે, મોનસૂનમાં વિલંબ થવાનો અર્થ વરસાદની માત્રામાં ઘટાડો નથી. પરંતુ એટલું છે કે આ વખતે વરસાદ સામાન્યથી ઓછો હશે. અમારી ભવિષ્યવાણી સામાન્યના 93 ટકા સુધી વરસાદની હતી અને અમે તેના પર કાયમ છીએ.