Site icon Revoi.in

કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસની દસ્તક, સ્વાસ્થ્યમંત્રીએ કરી એક દર્દીની પુષ્ટિ

Social Share

કેરળમાં એકવાર ફરી નિપાહ વાયરસે દસ્તક દીધી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ એક દર્દી મળ્યો હોવાની વાત જણાવી છે. એર્નાકુલમમાં રહેતો 23 વર્ષીય એક વ્યક્તિ પુણે વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો. રાજ્યના 86 શંકાસ્પદ દર્દીઓનો ડોક્ટરોની દેખરેખમાં ઇલાજ ચાલી રહ્યો છે. તે લોકોમાં હજુ નિપાહ વાયરસની પુષ્ટિ થઈ નથી. એર્નાકુલમ મેડિકલ કોલેજમાં બીમારીના ઇલાજ માટે અલગથી સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. 2018માં કેરળમાં નિપાહ વાયરસથી લગભગ 16 લોકોનાં મોતા થયા હતાં. 750થી વધુ દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્યમંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. સ્વાસ્થ્ય વિભાગ દરેક પ્રકારની પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર છે. અમારી પાસે જરૂરિયાતની તમામ દવાઓ છે. આ બીમારી સામે લડવા માટે એર્નાકુલમ મેડિકલ કોલેજમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્યમંત્રીએ બીમારી બાબતે લોકોને ડર ન ફેલાવવા માટે અપીલ પણ કરી. જ્યારે મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સાવચેતી ખાતર ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

આ રીતે ફેલાય છે વાયરસ

એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આ વાયરસ ચામાચિડિયા દ્વારા ફેલાય છે. તેમને ફ્રૂટ બેટ કહે છે. ચામાચિડિયું કોઇ ફળ ખાઈ લે છે અને તે ફળ અથવા શાક કોઈ માણસ કે જાનવર ખાઇ લે તો તેનામાં આ વાયરસ પહોંચી જાય છે. નિપાહ વાયરસ માણસો સાથે જાનવરોને પણ અસર કરે છે. તેની શરૂઆત ભયંકર માથાના દુખાવાથી અને તાવથી થાય છે. તેનાથી સંક્રમિત વ્યક્તિનો મૃત્યુદર 74.5% હોય છે.

ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, 1998માં મલેશિયામાં પહેલીવાર નિપાહ વાયરસની જાણ થઈ હતી. અહીંયા સુંગઈ નિપાહ ગામના લોકો સૌથી પહેલા આ વાયરસથી સંક્રમિત થયા હતા. આ ગામના નામ પર જ તેનું નામ નિપાહ પડ્યું. તે દરમિયાન એવા ખેડૂતો તેનાથી સંક્રમિત થયા હતા, જે ભૂંડનો ઉછર કરતા હતા. મલેશિયાના એક રિપોર્ટ પ્રમાણે પાલતુ જાનવરો જેવાંકે કૂતરા, બિલાડી, બકરી, ઘોડાથી પણ ઇન્ફેક્શન ફેલાવાના મામલાઓ સામે આવ્યા હતા.