કોંગ્રેસના સાંસદ કે. સુરેશે બુધવારે લોકસભામાં કહ્યુ કે ખ્રિસ્તી સમાજ અને આખા દેશની ભાવનાઓને ધ્યાનમાં રાખતા સરકારે પોપ ફ્રાંસિસને સત્તાવાર રીતે ભારત આવવાનું આમંત્રણ આપવું જોઈએ.
ગૃહમાં શૂન્યકાળ દરમિયાન સુરેશે કહ્યુ કે ખ્રિસ્તી સંગઠનોએ માગણી કરી છે કે પોપને આમંત્રિત કરવામાં આવે. ખુદ પોપે મ્યાંમારની મુલાકાત વખતે ભારતની યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ છે કે ખ્રિસ્તી સમુદાય અને દેશની ભાવનાઓને ધ્યાનમાં રાખતા ભારત સરકારે પોપને સત્તાવાર રીતે આમંત્રિત કરવા જોઈએ. કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ દેશમાં વાઘોની સંખ્યામાં વધારા મામલે ખુશી વ્યક્ત કરી અને હાલની સરકાર તથા પુરોગામી કોંગ્રેસની સરકારોનો આના માટે ધન્યવાદ માન્યો હતો. ભાજપના જુગલ કિશોર અને કેટલાક અન્ય સદસ્યોએ પણ પોતપોતાના ક્ષેત્રોના મુદ્દા ઉઠાવ્યા હતા.
તાજેતરમાં ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસની દક્ષિણ સૂડાનના રાષ્ટ્રપ્રમુખના પગ ચુમતી એક તસવીર વાઈરલ થઈ હતી. વિશ્વમાં શાંતિ માટે એક ઉદાહરણ રજૂ કરતા પોપે વિપક્ષના નેતાઓના પણ પગ ચુમ્યા હતા.
રોમમાં મુલાકાત દરમિયાન સૌથી પહેલા પોપ રાષ્ટ્રપ્રમુખ સલ્વા કીર અને બાદમાં વિપક્ષના તા રિએક મચારના પગ ચુમતા પણ દેખાયા હતા. નેતાઓને નમીને પગ ચુમવાની પોપાની આ તસવીર સોશયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આવું પહેલીવાર જોવામાં આવ્યું, જ્યારે પોપ ફ્રાંસિસે કોઈકના પગ ચુમ્યા હોય. જો કે આના પહેલા ઘણાં એવા પ્રસંગો જોવા મળ્યા છે કે જ્યારે પોપ લોકોના પગ ધોતા જોવા મળ્યા છે.