દિલ્હીઃ દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં ઓડિયો સાથેના સીસીટીવી કેમેરા લગાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. છ મહિનામાં જ પોલીસ સ્ટેશનોના પૂછપરછ રૂમ અને લોકઅપ સહિતના સમગ્ર વિસ્તારમાં આવા કેમેરા લગાવવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ અને રેકોર્ડિંગ માટે જવાબદાર રહેશે.
દેશના તમામ પોલીસ સ્ટેશનોની સાથે CBI, ED, DRI અને સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસના કાર્યાલયોમાં પણ ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લાગશે. પોલીસ સ્ટેશના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્સન એરિયા, સબ ઈન્સ્પેકટર અને ઈન્સપેક્ટરના રૂમ અને વોશરૂમની બહાર પણ કેમેરા લગાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. તમામ રાજ્યોને છ સપ્તાહની અંદર જ આ નિર્દેશનું પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના સુધી રાખવું પડશે. કોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે, આ નિર્દેશ આર્ટિકલ 21 હેઠળ મૌલિક અધિકારોમાં છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રોહિંટન એફ નરીમન, ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ અને ન્યાયમૂર્તિ અનિરૂદ્ધ બોસની ડિવિઝન બેંચે 45 દિવસથી વધારાના સીસીટીવી ફુટેજને સુરક્ષિત રાખવા અને એકત્રિત કરવાના સવાલ ઉપર એમિક્સ ક્યુરીને સબમીશન રજુ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં અત્યાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જે અંગે વર્ષ 2015માં સર્વોચ્ચ અદાલતે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા નિર્દેશ કર્યો હતો.