નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સંગઠન (SCO) સમિટમાં સામેલ થવા માટે પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ નહીં કરે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે.
મોદી 13-14 જૂને એસસીઓ સમિટમાં હાજરી આપશે. ભારતે રવિવારે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે મોદીના શાંઘાઈ સમિટમાં કિર્ગીસ્તાન જવા માટે તેમનો હવાઈ માર્ગ ખોલી દે. પાકિસ્તાન સરકારે સોમવારે ભારતની અપીલ પર મોદીના વિમાનને પોતાના એર વે પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, બિશ્કેક જવા માટે ભારત સરકારે બે વિકલ્પ કાઢ્યા હતા. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડાપ્રધાનનું વિમાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના રસ્તે બિશ્કેક જશે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજરી આપશે.