- નાણાં પ્રધાનના નિર્ણયો પર પીએમ મોદીની પ્રતિક્રિયા
- ટ્વિટ કરીને એલાનને ગણાવ્યું ઐતિહાસિક
- 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી તરફ આગળ વધ્યા પગલા
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા ઘણાં એલાનો પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને સરકારના આ નિર્ણયોને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ એક આગળ વધતું પગલું ગણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગત કેટલાક દિવસોમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે એ સાબિત કરે છે કે સરકાર ભારતમાં કારોબાર કરવા માટે સારો માહોલ બનાવવા ચાહે છે. તેની સાથે જ ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવા ચાહે છે.
પીએમ મોદીએ લખ્યું છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાને મોટો બૂસ્ટ મળશે અને દુનિયાભરમાંથી પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ભારત તરફ આકર્ષિત થશે. વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે આ નિર્ણયોથી 130 કરોડ દેશવાસીઓ માટે નોકરીઓની નવી તકો બનશે.
શુક્રવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો, કેપિટલ ગેનના સરચાર્જમાં ઘટાડો જેવા ઘણાં મોટા નિર્ણયોનું એલાન કર્યું છે. નાણાં પ્રધાનના એલાન બાદથી જ શેર બજારમાં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો છે અને સતત સેન્સેક્સ તથા નિફ્ટી ઘણાં અંકો સુધી વધ્યો છે.
શેર બજાર સિવાય કારોબારીઓ તરફથી પણ સરકારના નિર્ણયોનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યુ છે કે કેન્દ્ર સરકારે સ્વીકારવું જોઈએ કે દેશમાં મંદીનો માહોલ છે. સરકાર તરફથી પણ ઘણાં પ્રધાનો સતત ટ્વિટ કરી નાણાં મંત્રાલયના નિર્ણયોને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે શુક્રવારે જ જીએસટી કાઉન્સિલની બેઠક છે. તેમાં નાના કારોબારીઓ માટે પણ સરકાર તરફથી મોટા એલાનની સંભાવના છે.