નવી દિલ્હી: ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતી પર શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શ્યામપ્રસાદ મુખર્જીને યાદ કર્યા અને એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મહાન શિક્ષાવિદ્દ અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર શત-શત નમન. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
ભાજપ શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતીના પ્રસંગે આજથી પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ શરૂ કરી રહ્યું છે. ભાજપનું આ અભિયાન 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભાજપનો દાવો છે કે હાલમાં પાર્ટીના 11 કરોડ સદસ્ય છે.
લોકસભા ચૂંટણીમાં મોટી જીત બાદ ભાજપ આ વિસ્તારોમાં પોતાના જનાધારને ફેલાવવાની તૈયારી કરી રહ્યું છે, કે જ્યાં પાર્ટી અત્યાર સુધી નબળી છે. સદસ્યતા અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી વારાણસીથી કરશે, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ આજે હૈદરાબાદમાં હશે.
ભાજપનું લક્ષ્યાંક પાર્ટીના સદસ્યોની સંખ્યાને 11 કરોડથી વધારીને 20 કરોડ કરવાની છે. ભાજપ આ સદસ્યતા અભિયાન દ્વારા પોતાના સદસ્યોની સંખ્યામાં 9 કરોડનો વધારો કરવા ચાહે છે. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતી પર ભજાપ મેગા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ભાજપની આખી ટોપ લીડરશિપ આ મહત્વાકાંક્ષી અભિયાનમાં ઉતરશે.
મહત્વપૂર્ણ છે કે શ્યામાપ્રસાદ મુખર્જી જમ્મુ-કાશ્મીરના અલગ રાજ્યને દરજ્જો આપવાના પ્રખર વિરોધી હતા. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ-1901ના રોજ કોલકત્તામાં થયો હતો. તેઓ જવાહરલાલ નહેરુ કેબિનેટમાં ઉદ્યોગ અને આપૂર્તિ પ્રધાન હતા. પરંતુ નહેરુ સાથે મતભેદોને કારણે તેમણે પોતાના પદ પરથી ત્યાગપત્ર આપ્યું હતું. તેના પછી તેમણે નવી રાજકીય પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી.