Site icon Revoi.in

રાહુલ પર મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું- “કેટલાક બુદ્ધિશાળી લોકો બટાકામાંથી સોનુ બનાવે છે, અમે એ વચન નથી આપતા”

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના કન્નોજમાં અને હરદોઈમાં રેલી કરી. કન્નોજમાં રેલી દરમિયાન મોદીએ કહ્યું કે મારો પ્રચાર તેવા પરિવારો કરી રહ્યા છે જેમનો દીકરો માતૃભૂમિની સુરક્ષામાં તહેનાત છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે બટાકામાંથી સોનુ બનાવવાનું વચન અમે ન આપી શકીએ.

હરદોઈમાં મોદીએ કહ્યું, “હું વડાપ્રધાન બન્યો તે પહેલા જ્યારે દેશમાં રિમોટ કંટ્રોલની સરકાર હતી ત્યારે ભારતમાં ફક્ત 2 જ મોબાઈલ મેન્યુફેક્ચકરિંગ કંપનીઓ હતી. હવે છેલ્લા પાંચ વર્ષોમાં 125 કરતા પણ વધુ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ભારતમાં કાર્યરત છે.”

વડાપ્રધાને કન્નોજમાં જનસભાને સંબોધતા કહ્યું કે, “અમે એવા વચનો નથી આપતા જેના લીધે જનતા બિચારી બેચેન બની જાય. એવા બુદ્ધિમાન અને તેજસ્વી લોકો પણ દેશમાં છે જે બટાકામાંથી સોનુ બનાવે છે. માફ કરો, તે કામ અમે નથી કરી શકતા. હું બટાકામાંથી સોનુ ન બનાવી શકું, ન મારી પાર્ટી બનાવી શકે. અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકીએ છીએ, જેથી બટાકા સુરક્ષિત રહી શકે અને તેમાંથી ચિપ્સ બનાવી શકો. અમે તમને યોગ્ય ભાવ અપાવી શકીએ અને તમારી ચીજો બહાર પણ જઈ શકે.”

વડાપ્રધાને કહ્યું, “જ્યારે તમે કમળનું બટન દબાવશો તો દરેક વોટ મોદીના ખાતામાં જશે. આ લોકો જ્યારે ચૂંટણી હારવાની કગાર પર આવે છે તો ગાળો આપવામાં નીચે ઉતરી જાય છે. તમે છેલ્લી ઘણી ચૂંટણીઓ જોઈ હશે, શરૂઆતનો તબક્કો ખતમ થયા પછી તેઓ કહેવા લાગે છે કે મોદી તો નીચ જાતિનો છે. હું ક્યારેય જાતિના નામે રાજકારણ રમવાના પક્ષમાં નથી. જ્યાં સુધી મારા વિરોધીઓએ મને ગાળ નથી આપી, ત્યાં સુધી મને જાણ જ નથી થઈ કે મારી જાતિ કઈ છે. પરંતુ, હવે હું બહેનજી, અખિલેશ અને મહામિલાવટીઓનો આભારી છું કે તેઓ મારા પછાત હોવા પર ચર્ચા કરી રહ્યા છે.”

મોદીએ કહ્યું કે, “મારા માટે પછાત હોવું મા ભારતીની સેવા કરવાનું સૌભાગ્ય છે. મારી જાતિ તો એટલી નાની છે કે ગામમાં એકાદ ઘરમાં પણ નથી હોતી. હું પછાત નહીં, અતિ પછાત વર્ગમાંથી આવું છું. મારો આખો દેશ જ્યારે ‘પિછડા’ (પછાત) છે તો મને આખા દેશને અગડા બનાવવો છે. જ્યારે તમે મારી જાતિન લઈને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છો તો હું જણાવી દઉં કે મારી જાતિ અતિ પછાત છે. મીઠું કેટલું પણ ઓછું કેમ ન હોય પરંતુ રસોઈનો સ્વાદ વધારી દે છે. આ મોદી પછાત જાતિનો છે જે મીઠાનું કામ કરે છે.”