લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. અહીંયા તેમણે દીનદયાલ હસ્તકલા સંકુલમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું. મોદીએ ‘હર હર મહાદેવ’ના નાદથી સંબોધનની શરૂઆત કરી. મોદીએ કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. તેમનો સંતોષ એ જ મારો જીવનમંત્ર છે. કાશીને લઇને હું નિશ્ચિંત હતો. એટલે બાબા કેદારનાથના દરબારમાં જઈને બેસી ગયો. મોદીએ કહ્યું, ‘આજે દેશના રાજકીય કેનવાસ પર ઇમાનદારીથી રગ-રગમાં લોકતંત્રને જીવતો કોઈ પક્ષ છે તો તે બીજેપી છે. અમે સત્તામાં આવીએ છીએ ત્યારેપણ લોકતંત્રની સૌથી વધુ પરવા કરીએ છીએ. ‘
મોદીએ કહ્યું, ‘બીજી સરકારોમાં વિપક્ષનું નામ સુદ્ધાં નથી હોતું. ત્રિપુરામાં 30 વર્ષ સુધી વિપક્ષનું શાસન રહ્યું, શું ત્યાં વિપક્ષ હતો? બે વર્ષથી અમે સત્તામાં છીએ અને ત્યાં શાનદાર વિપક્ષ છે. સંસદનો ઉપયોગ ચર્ચા માટે હોવો જોઇએ. પરંતુ જ્યારે ચર્ચામાં મુદ્દો અને તથ્ય ન હોય ત્યારે હોબાળો કરવામાં આવે છે. અમે જાતિ અને સંપ્રદાયની ઉપર દેશના મહાન વારસા અને આધુનિક વિઝનને લઇને ચાલવાની કોશિશ કરીશું.’
મોદીએ કહ્યું, ‘જેમ બે શક્તિ છે નીતિ અને રીતિ, જેમ બે શક્તિ છે નીતિ અને રણનીતિ, જેમ બે શક્તિ છે પારદર્શિતા અને પરિશ્રમ, જેમ બે શક્તિ છે વર્ક એન્ડ વર્કર, તેમજ બે સંકટ પણ અમે સહન કર્યા છે જે છે, રાજકીય હિંસા અને રાજકીય અસ્પૃશ્યતા. પશ્ચિમ બંગાળ, કેરળ, ત્રિપુરા અને કાશ્મીરમાં અમારા કાર્યકર્તાઓની રાજકીય હત્યાઓ થઇ. આ જગ્યાઓ પર એક રીતે હિંસાને માન્યતા આપવામાં આવી. દેશમાં રાજકીય છૂતાછૂત વધી રહી છે. આજે પણ બીજેપીને અછૂત સમજવામાં આવે છે.’
‘પારદર્શિતા અને પરિશ્રમ બે એવી ચીજો છે, જે દરેક માન્યતાને પરાસ્ત કરવાનું સાહસ રાખે છે. હિંદુસ્તાને આજે આ કરીને બતાવ્યું છે. પારદર્શિતા અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.’
મોદીએ કહ્યું, “પાર્ટી અને કાર્યકર્તાઓ જે આદેશ કરે છે, તેનો પાલન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. એક મહિના પહેલા જ્યારે 25 તારીખે હું અહીંયા હતો, જે આન-બાન-શાનથી કાશીએ એક વિશ્વરૂપ દર્શાવ્યું હતું, તેણે આખા હિંદુસ્તાનને પ્રભાવિત કર્યું હતું. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો નહીં હોય જેણે કાશીના મિજાજને અનુભવ્યો નહીં હોય. કાર્યકર્તાઓએ મને આદેશ આપ્યો હતો કે એક મહિના સુધી તમે કાશીમાં પ્રવેશ નહીં કરી શકો. દેશે ભલે પીએમ બનાવ્યો હોય પરંતુ તમારા માટે હું એક કાર્યકર્તા છું.”
મોદીએ કહ્યું, ‘કાશી તો અવિનાશી છે. તમે લોકોએ આટલા કાર્યક્રમો કર્યા, મને જાણકારી મળતી હતી. અહીંયા ચૂંટણીને લોકોત્સવ બનાવી દેવામાં આવી. આખા ચૂંટણી અભિયાનમાં તૂ-તૂ, મેં-મેં ઓછી હતી, પોતાપણું વધારે હતું. આ ચૂંટણીમાં જે અલગ-અલગ પક્ષો અને અપક્ષના સાથીઓ ચૂંટણીમાં હતા, તેમનો પણ આભાર માનું છું કે તેમણે કાશીની ગરિમાને છાજે તે રીતે અભિયાન આગળ વધાર્યું.’
‘આ ચૂંટણીમાં કાર્યકર્તાઓને મળવાનું થયું તો મેં કહ્યું હતું કે અહીંયા નોમિનેશન તો એક નરેન્દ્ર મોદીનું થયું હશે, પરંતુ આ ચૂંટણી ઘર-ઘર અને ગલી-ગલીનો નરેન્દ્ર મોદી લડશે. એક રીતે તમે બધા નરેન્દ્ર મોદી બની ગયા. આ સંપૂર્ણ અભિયાનને તમે ચલાવ્યું.’