વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણીરેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું કે હવે કોઇપણ ભારત સામે આંખ ઊંચી કરીને જોતા પહેલા 100 વાર વિચારે છે. આપણે આતંકીઓની ફેક્ટરીમાં ઘૂસીને તેમને ખતમ કરી દીધા. હવે આતંક ફક્ત જમ્મુ-કાશ્મીરમાં જ રહ્યો છે. આતંકીઓને ખબર છે કે જો બોમ્બ ધમાકો કર્યો તો મોદી પાતાળમાંથી પણ બહાર કાઢીને ખતમ કરી દેશે.
તેમણે કહ્યું, “દેશમાં એક એવી જમાત પણ છે, જે એક દિવસ સરકાર બનાવે છે અને બીજા દિવસે પાડી નાખે છે. હું જ્યારે 2014માં પહેલીવાર ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે વિદેશનીતિ કેવી રીતે સંભાળશો? ત્યારે મેં કહ્યું હતું કે અમે દુનિયા સાથે ન તો આંખો નીચી કરીને વાત કરીશું અને ન આંખ ઉઠાવીને વાત કરીશું. અમે તો આંખમાં આંખ મેળવીને વાત કરીશું.”
મોદીએ કહ્યું, “ઇસ્ટરના દિવસે જ્યારે શ્રીલંકામાં લોકો શાંતિનો સંદેશ આપી રહ્યા હતા, ત્યારે નર રાક્ષસોએ આવીને ખૂની ખેલ રમ્યો. મારી સરકાર પહેલા ભારતમાં પણ ઘણી જગ્યાઓએ બોમ્બ ધમાકા થતા હતા અને ત્યારે અહીંયા કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી. તેઓ ધમાકા પછી ફક્ત શ્રદ્ધાંજલિ સભાઓ કરતા હતા. ત્યારે સરકાર રડતી હતી કે પાકિસ્તાન અમારા દેશમાં આવીને આવું કરે છે, તેવું કરે છે. હવે તમારા આ ચોકીદારે કોંગ્રેસ-એનસીપીનો આ ડર ખતમ કરી દીધો.”
મોદીએ કહ્યું, “હું તમને કોંગ્રેસની એક ચાલાકી પણ જણાવી દઉં. વચેટિયાઓને ફાયદો કરાવવા માટે પાકની કિંમતો સાથે તેઓ રમત કરતા હતા. કોંગ્રેસ સરકારે વચેટિયાઓને હંમેશાં બચાવ્યા છે. અમારી સરકારે વચેટિયાઓને પકડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નદીઓને લઈને પણ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. ”
મોદીએ કહ્યું, “આદિવાસી બાળકોના ભાણતર માટે એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી રહી છે. આદિવાસી હસ્તશિલ્પ કલાના પ્રચાર-પ્રસાર માટે ઓનલાઈન માધ્યમનો વિકાસ કરવામાં આવ્યો. અન્નદાતા ખેડૂત માટે બિયારણથી લઈને બજાર સુધીનું મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. અનેક ખેડૂત પરિવારના ખાતાઓમાં મદદની રકમ અને યોજનાઓની રકમ આવી પણ ચૂકી છે. ફરીથી મોદી સરકાર આવવા પર મહારાષ્ટ્રમાં પાંચ એકરની જમીનના નિયમો હટાવી દેવામાં આવશે. ડુંગળીના ટ્રાન્સપોર્ટેશનમાં થતા ખર્ચાને પણ ઓછો કરવામાં આવશે.”