Site icon hindi.revoi.in

પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કરશે સી-પ્લેન સેવાનું લોકાર્પણ

Social Share

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ, કેવડિયા સ્થિત સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના રિવરફ્રન્ટ સુધીની સફરને સરળ બનાવવા માટે સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે.

પીએમ મોદી 31 ઓક્ટોબરે ગુજરાતને નવી ભેટ આપશે. આ અંતર્ગત અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થશે. આ જ ક્રમમાં સોમવારે સ્પાઇસ જેટ તકનીકનું એક ટ્વીન ઓટર 300 સીપ્લેન નર્મદા નદીના કાંઠે કેવડિયા કોલોની પહોંચ્યું હતું. આ પ્લેન અહીંથી અમદાવાદ માટે ઉડાન ભરશે અને આની સાથે સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે પ્રાદેશિક જોડાણ યોજના શરૂ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતમાં દેશની પ્રથમ સી-પ્લેન સેવા શરૂ કરશે. 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે. 30 ઓક્ટોબરે પીએમ મોદી જંગલ સફારી પાર્ક, ક્રૂઝ બોટ, ભારત ભવન, એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્કનું ઉદ્દઘાટન કરશે. જ્યારે 31 ઓક્ટોબરના રોજ આરોગ્ય વનનું ઉદ્દઘાટન કરશે.અને નવા આઈએએસ અધિકારીઓને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી સી પ્લેનમાં ભરશે ઉડાન

આઈએએસ અધિકારીઓને સંબોધન કર્યા પછી વડાપ્રધાન મોદી સી પ્લેનથી અમદાવાદ જવા રવાના થશે. 31 ઓક્ટોબરથી 19 સીટર સી-પ્લેન દરરોજ 4 ઉડાન ભરશે. તેનું ભાડું 4,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે. સી પ્લેન સરદાર સરોવર ડેમના તળાવ નંબર 3 માં ઉતરશે.

આ સી-પ્લેન સર્વિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ એ તેની શરૂઆત કરી હતી, પરંતુ હવે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવામાં આવી છે. આ સી પ્લેન પાછલા દિવસે માલદીવથી કોચી પહોંચ્યું હતું, ત્યારબાદ તે હવે ગુજરાતમાં આવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ અને કેવડિયામાં સી પ્લેન માટે જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને અન્ય તમામ તૈયારીઓ ચાલી રહી હતી.

_Devanshi

Exit mobile version