દિલ્હીઃ દેશના અનેક શહેરોમાં મેટ્રો રેલ સેવા ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂર ઝડફે આગળ વધી રહી છે. દરમિયાન દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આગામી તા. 28મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. જનકપુરી વેસ્ટને નોઇડાના બોટનિકલ ગાર્ડનથી જોડનારી 37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઇન પર દેશની પ્રથમ સંપૂર્ણ રીતે સ્વચાલિત ડ્રાઇવર સેલ ટ્રેન સેવાને રવાના કરશે. આ સાથે તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર યાત્રા માટે પરિચાલન નેશનલ કોમન મોબિલિટી કાર્ડને પણ લોન્ચ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેટ્રો રેલવેના જનરલ નિયમ હેઠળ ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની કોઈ વ્યવસ્થા ન હતી જેથી આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયે ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે મેટ્રો રેલવે જનરલ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે નવા મેટ્રો રેલવે જનરલ રૂલ્સ 2020 બનાવવામાં આવ્યા છે. આ નવા રૂલ્સમાં ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી હવે દિલ્હામાં ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રોએ 25 ડિસેમ્બર, 2002ના પોતાના વ્યાવસાયિક સંચાલનની શરૂઆત કરી હતી, જેના એક દિવસ પહેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ડીએમઆરસીના શાહદરાથી તીસ હજારી સુધી 8.2 કિલોમીટર લાંબા પ્રથમ ખંડનું ઉદ્ઘાટન કર્યુ હતુ, જેમાં માત્ર છ સ્ટેશન હતા. ડીએમઆરસીની હવે 242 સ્ટેશનોની સાથે 10 લાઇનો છે અને દરરોજ દિલ્હી મેટ્રોમાં એવરેજ 26 લાખથી વધુ યાત્રી સફર કરે છે.