બહુમતી સાથે ભાજપની આગેવાનીવાળા એનડીએની સત્તાવાપસીની દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યમથક પર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહનું ઉત્સાહપૂર્વક ભાજપના મુખ્યમથક પર સ્વાગત કર્યું હતું. જબરદસ્ત સ્વાગત વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભગવા રંગથી સજાવાયેલા ભાજપના મુખ્યમથક પહોંચ્યા હતા. અમિત શાહે ભાજપના મુખ્યમથકમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ.
અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે આખા વિશ્વની આ સૌથી મોટી ઘટના છે. દેશ આઝાદ થયો. કેટલી લોકસભાની ચૂંટણીઓ થઈ। સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું. તે પણ 40-42 ડિગ્રીની ગરમી વચ્ચે.
તેમણે કહ્યુ હતુ કે આજે ખુદ મેઘરાજા પણ આ વિજયોત્સવમાં સામેલ થવા માટે આપણી વચ્ચે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અમે તમામ દેશવાસીઓ પાસે નવા ભારત માટે જનાદેશ લેવા માટેગયા હતા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના કરોડો નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. આ જે મતદાનના આંકડા છે, તે ખુદ લોકતાંત્રિક વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ઘટના છે. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે શ્રીકૃષ્ણને પુછવામાં આવ્યું કે તમે કોના પક્ષમાં હતા, હું સમજું છું કે ભગવાન કૃષ્ણએ જે જવાબ આપ્યો હતો 2019માં, હિંદુસ્તાનના 130 કરોડ નાગરીકોએ શ્રીકૃષ્ણ સ્વરૂપે આપ્યો છે.
વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો કે હું કોઈના પક્ષમાં ન હતો. તેમણે કહ્યુ હતુ કે હું હસ્તિનાપુરના પક્ષમાં હતો. દેસના સામાન્ય નાગરીકોની ભાવના ભારતના ઉજ્જવલ ભવિષ્યની ગેરેન્ટી છે. આ ચૂંટણીમાં હું પહેલા દિવસથી કહી રહ્યો હતો કે ચૂંટણી કોઈ પક્ષ લડી રહ્યુ નથી, કોઈ ઉમેદવાર, નેતા લડી રહો નથી, આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે આજે મારી તે ભાવનાને જનતા જનાર્દને પ્રગડ કરી છે. માટે જો કોઈ વિજય થયો છે તો હિંદુસ્તાન વિજયી બન્યું છે, લોકશાહી વિજયી થયું છે, જનતા વિજયી બની છે.
તેમણે કહ્યુ છે કે લોકસભાની ચૂંટણીમાં જે વિજય થયો છે હું દિલથી અભિનંદન આપું છું, તમામ વિજયી ઉમેદવારો જે કોપણ પક્ષના હોય, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશની સેવા કરશે, આ વિશ્વાસ સાથે તમામને શુભેચ્છા આપું છું.
પીએમ મોદીએ કહ્યુ છે કે હું આ લોકશાહીના ઉત્સવમાં લોકશાહી ખાતર જે-જે લોકોએ બલિદાન આપ્યું છે, જે ઘાયલ થયા છે. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યમાં બનનારી સરકારોને દરેક શક્ય સહયોગનો વાયદો કરું છું.
તેમણે કહ્યુ છે કે આ પાર્ટીમાં એવા દિલદાર લોકો છે, કરોડો કાર્યકર્તા માત્ર એક જ ભાવ ભારતમાતા કી જય અને બીજું કંઈ નહીં. નિસ્વાર્થ ભાવથી કામ કર્યું. લોકશાહીની આન બાન શાન વધારવાનું કામ કર્યું છે.
પીએમ મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં જીતીને આવેલી પાર્ટીઓને પણ અભિનંદન આપતા કહ્યુ હતુ કે હું તમને ભરોસો આપું છું કે વિકાસ યાત્રામાં હું તમારી સાથે ઉભો છું. પીએમ મોદીએ કાર્યકર્તાઓની સામે શપથ લેતા કહ્યુ હતુ કે હું મારા કાર્યકાળમાં બદનિયત,બદઈરાદા સાથે કામ કરીશ નહીં. હું મારા માટે કોઈ કામ કરીશ નહીં.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં હું પહેલા દિવસથી કહી રહ્યો હતો કે આ ચૂંટણી કોઈ પક્ષ લડી રહ્યો નથી. કોઈ ઉમેદવાર લડી રહ્યો નથી, કોઈ નેતા લડી રહ્યો નથી. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે. હું આ લોકશાહીના ઉત્સવમાં લોકશાહીને ખાતર, જે-જે લોકોએ બલિદાન આપ્યા છે, ઘાયલ થયા છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે હવે દેશમાં માત્ર બે જ જાતિઓ રહેવાની છે. એક ગરીબી અને બીજી ગરીબીને સમપાત કરવાની દિશામાં કંઈક કરનારાઓની. મારી આ વાત સાંભળીને જાતિની રાજનીતિ કરનારાઓને આંચકો લાગશે. પીએમ મોદીએ કહ્યુ છે કે આ વિજય આત્મસમ્મન, આત્મગૌરવની સાથે એક શૌચાલય માટે તડપતી એ માતાનો વિજય છે. આ વિજય તે બીમાર વ્યક્તિનો છે, જે ચારથી પાંચ વર્ષથી નાણાંની તંગીના કારણે પોતાનો ઉપચાર કરાવી શકી નથી અને આજે તેનો ઉપચાર થઈ રહ્યો છે. આ તેના આશિર્વાદનો વિજય છે. આ 21મી સદી છે, આ નવું ભારત છે. આ ચૂંટણીનો વિજય મોદીનો વિજય નથી. આ દેશમાં ઈમાનદારી માટે તડપનારા નાગરીકોની આશા-આકાંક્ષાઓનો વિજય છે. આ 21મી સદીના સપનાને લઈને ચાલી નીકળેલા નવયુવાનોનો વિજય છે.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યુ હતુ કે ભાજપે ક્યારેય પોતાના આદર્શને છોડયો નથી. ક્યારેક બે હતા અને હવે ફરીથી સત્તામાં આવી ગયા છીએ. વડાપ્રધાન મોદીએ બંધારણ સર્વોપરી હોવાની વાત દોહરાવીને તેના પ્રમાણે કામ કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટે દેશની એકતા અને અખંડિતા માટે જનતાએ આ ચૂંટણીમાં એક નવો નરેટિવ દેશની સામે રજૂ કર્યો છે. તમામ સમાજશાસ્ત્રીઓ પોતાની જૂની માનસિકતા પર પુનર્વિચારણા કરે તેના માટે દેશના ગરીબથી ગરીબ વ્યક્તિએ મજબૂર કરી દીધા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આ ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષ સેક્યુલારિઝમનો નકાબ પહેરીને દેશને ગુમરાહ કરી શક્યો નથી. આ ચૂંટણી એવી હતી કે જ્યાં મોંઘવારી એકપણ વિરોધ પક્ષનો મુદ્દો બની શકી નથી. આ ચૂંટણી એવી છે કે જેમાં કોઈપણ પક્ષ અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શક્યો નથી અને તેને મુદ્દો બનાવી શક્યો નથી. આ ચૂંટણીએ 21મી સદી માટે મજબૂત પાયો આપણા સામાજિક, સાર્વજનિક અને રાજકીય જીવન માટે નિર્મિત કર્યો છે.