નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં શપથવિધિ સમારંભ યોજાવાનો છે. તેના પહેલા આજે સવારે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતાને નમન કર્યા છે.
અટલ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેમણે લખ્યુ હતુ કે અમે દરેક પળ પ્યારા અટલજીને યાદ કરીએ છીએ. તેમને એ જોઈને ઘણી ખુશી થશે કે ભાજપને લોકોની સેવા કરવાનો આટલો સારો મોકો મળ્યો છે. અટલજીના જીવન અને કાર્યથી પ્રેરીત થઈને અમે સુશાસન અને લોકોના જીવનને બદલવાની કોશિશ કરીશું.
નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે સાત વાગ્યે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ હતા. પીએમ સતત પોતાના ભાષણોમાં રાષ્ટ્રપિતાનો ઉલ્લેખ કરતા રહે છે, તો આ વર્, ઓક્ટોબર સુધી તેમણે સ્વચ્છ ભારત અભિયાન પણ ચલાવ્યું છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના સર્વોચ્ચ નેતા રહેલા અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે નરેન્દ્ર મોદીની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના તમામ સાંસદો પણ પહોંચ્યા હતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી, બાદમાં અમિત શાહે તથા તેમના પછી ભાજપના તમામ સાંસદોએ ભારતરત્ન અટલજીને નમન કર્યા હતા.
રાજઘાટ અને અટલ સમાધિ સ્થળ બાદ વડાપ્રધાન મોદી વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પણ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. તમામે અહીં શહીદોને નમન કર્યા અને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં વૉર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેમોરિયલમાં અત્યાર સુધી યુદ્ધમાં શહીદ થયેલા તમામ જવાનોના નામ નોંધાયેલા છે.
નરેન્દ્ર મોદી આજે બીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથગ્રહણ કરી રહ્યા છે. સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવનના પરિસરમાં એક ભવ્ય સમારંભમાં નરેન્દ્ર મોદી અને તેમનું કેબિનેટ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી અને તેમના પ્રધાનમંડળને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે BIMSTEC દેશોના રાષ્ટ્રપ્રમુખો અથવા વડાપ્રધાનો ભારત પહોંચી ચુક્યા છે. ઘણાં રાજ્યોના મુખ્યપ્રધાનો સહીત લગભગ છ હજાર અતિથિઓ દિલ્હી ખાતે પહોંચી ચુક્યા છે.