- દિલ્હીમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો
- પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોચ્યું
- જો કે, ડીઝલનો ભાવ સ્થિર
એક દિવસના વિરામ બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 84 રૂપિયા પ્રતિ લિટરથી વધી ગઈ છે. જો કે ડીઝલની કિંમત સ્થિર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત બીજા દિવસે નરમાઇ રહી હતી. બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 45ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈ ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 પૈસા વધારો કર્યો છે.
દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ક્રમશ : 81 રૂ., 82.53 રૂ., 87.68 રૂ.અને 84.09 રૂ.પર પ્રતિ લિટર થયા છે. જોકે, ચાર મહાનગરોમાં ડીઝલની કિંમત અનુક્રમે 73.56 રૂ., 77.06 રૂ., 80.11 રૂ. અને 78.86 રૂ. પ્રતિ લીટર પર સ્થિર છે.
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર આઈસીઇ પર બ્રેન્ટ ક્રૂડનો ઓક્ટોબર ડિલિવરી કરાર અગાઉના સત્રની તુલનામાં 0.84 ટકાના ઘટાડા સાથે 44.99 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે…. તો, અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ એટલે કે ડબ્લ્યુટીઆઈનો સપ્ટેમ્બર ડિલિવરી કરાર અગાઉના સત્રની તુલનામાં 1.02 ટકા ઘટીને 42.67 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો.
ભારતમાં કોરોનાવાયરસના કારણે લોકોએ પોતાના બિનજરૂરી ખર્ચ પર તો કાપ મુક્યો જ છે પણ દેશવાસીઓને પેટ્રોલનો વધતો ભાવ પણ દઝાડી રહ્યો છે. 100 કરોડથી વધારે વસ્તી ધરાવતા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તે લોકોને ક્યાંક આર્થિક ધોરણે મુશ્કેલી વધારી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૃડ ઓઈલના ભાવમાં સતત ઉછાળો જોવા મળતો હોય છે પણ ભારતમાં તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ફેરફાર પણ જોવા મળતો નથી.
_Devanshi