Site icon Revoi.in

ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાએ યુદ્ધજહાજ અને પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ ખાડી ક્ષેત્રમાં મોકલી

Social Share

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્યપૂર્વ એશિયા ખાતે પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મોકલી છે. યુદ્ધજહાજ યુએસએસ આર્લિંગ્ટનને ખાડીમાં યુએસએસ અબ્રાહમ લિંકન નૌસૈન્ય બેડામાં સામેલ કરવામાં આવશે. આના ઉપર તેનાત યુદ્ધવિમાનો જમીન અને પાણી એમ બંને સ્થાનો પર દુશ્મનના ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરી શકે છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગનના કહેવા પ્રમાણે, કતરના એક આર્મી બેઝ પર બોમ્બવર્ષક યુએસ બી-52 યુદ્ધવિમાનો પણ મોકલવામાં આવ્યા છે

પેન્ટાગનનું કહેવું છેકે મધ્યપૂર્વમાં રહેલી અમેરિકન સેનાને ઈરાનના સંભવિત ખતરાથી બચવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જો કે ખતરો શું છે, તેના સંદર્ભે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

ઈરાને આ તમામ બાબતોને બકવાસ ગણાવી છે. ઈરાને અમેરિકાની આ તેનાતીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ ગણાવ્યું છે. તેનો ઉદેશ્ય ઈરાનને ડરાવવાનો હોવાનું પણ ખાડી દેશ તરફથી જણાવવામાં આવ્યું છે.

આના પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પોતાના યુરોપ પ્રવાસ પર પત્રકારોને ક્હ્યુ હતુ કે અમે ઈરાન તરફથી ઉશ્કેરણીવાળા પગલાને નિશ્ચિતપણે જોયું છે અને અમે ખુદ પર થનારા કોઈપણ પ્રકારના હુમલા માટે તેમને જવાબદાર ઠેરવીશું.

જો કે પોમ્પિયોએ એ સ્પષ્ટ કર્યું નથી કે તે ક્યાં ઉશ્કેરણીજનક પગલા સંદર્ભે વાત કરી રહ્યા હતા.

એક તરફ જ્યાં અમેરિકા પોતાના સાથી દેશોને ઈરાનમાંથી ઓઈલની ખરીદી નહીં કરવા મજબૂર કરીને ઈરાનની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા ચાહે છે. તો ઈરાનનું કહેવું છે કે તેઓ કોઈપણ સ્થિતિમાં ઝુકવાના નથી.

અમેરિકા ગત વર્ષ ઈરાન અને પી-ફાઈવ પ્લસ વન દેશો વચ્ચેના પરમાણુ કરારમાંથી બહાર નીકળી ગયું હતું.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારના રદ્દ થવાની પાછળ કારણ જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2015માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં ઈરાન સાથે થયેલી સંધિથી ખુશ નથી.

તેની સાથે જ અમેરિકાએ યમન અને સીરિયામાં ઈરાનની ભૂમિકાની પણ ટીકા કરી હતી.

ટ્રમ્પ વહીવટી તંત્રે આશા વ્યક્ત કરી છે કે તેઓ ઈરાનની સરકારને નવી સમજૂતી કરવા માટે મજબૂર કરી દેશે અને તેની જોગવાઈ હેઠળ માત્ર ઈરાનનો પરમાણુ કાર્યક્રમ જ નહીં, પણ બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પણ હશે.

અમેરિકાનું એવું પણ કહેવું છે કે આનાથી મધ્યપૂર્વમાં ઈરાનનો અશિષ્ટ વ્યવહારને પણ નિયંત્રિત થશે. તો ઈરાને અમેરિકાના પ્રતિબંધોને ગેરકાયદેસર ગણાવ્યા છે.

ઈરાની મીડિયા પ્રમાણે, અમેરિકાના એલાનના જવાબમાં ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ જરીફે કહ્યુ છેકે તેમની પાસે અમેરિકાના પ્રતિબંધોનો જવાબ આપવા માટે કોઈ વિકલ્પ છે.

જવાદ જરીફે કહ્યુ છે કે ઈરાન ઘણાં વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે અને આનાથી પરમાણુ બિનપ્રસાર સંધિથી અલગ થઈ જવાનું પગલું પણ સામેલ છે. તેમણે કહ્યુ છે કે જો ઈરાનને તેનું ઓઈલ વેચવાથી રોકવામાં આવશે, તો તેના ગંભીર પરિણામો આવશે.