મિતેષ એમ. સોલંકી
પૃષ્ઠભૂમિ
આજથી 66 વર્ષ પહેલા 29-એપ્રિલ-1954ના રોજ ભારત અને ચીન વચ્ચે એક સમજૂતી થઈ હતી જે પંચશીલ કરાર તરીકે જાણીતી છે. સ્વતંત્રતા પછી ભારતની વિદેશ નીતિમાં ચીનને ઘણું મહત્વનું સ્થાન મળ્યું છે. ભારત અને ચીન વચ્ચે લગભગ 3500 કિમીની સીમા છે. આ સીમાને લઈને બંને દેશો વચ્ચે ઘણા મતભેદ છે જેના લીધે બંને દેશો વચ્ચે ઘણીવાર ઘર્ષણ અને તણાવનું વાતાવરણ જોવા મળે છે. ભારત અને ચીન વચ્ચે જ્યારે પણ તણાવ ઊભા થાય ત્યારે પંચશીલ સિદ્ધાંતોનો વાત ચોક્કસ થાય છે.
ચાલો જાણીએ પંચશીલ સિદ્ધાંત
ભારત વર્ષ-1947માં સ્વતંત્ર થયું અને તેના બરાબર બે વર્ષ એટલે કે 1949માં ચીન People’s Republic of China નામથી એક સામ્યવાદી દેશ તરીકે સ્થાપિત થયો. બંને દેશોની શરૂઆત લગભગ એકસાથે થઈ એમ કહી શકાય. વર્ષ-1950માં ચીને એક મોટી ઘટનાને પરિણામ આપ્યું – ચીને ભારત અને ચીનની વચ્ચે આવેલ સ્વતંત્ર દેશ તિબેટ પર આક્રમણ કરી દીધું અને તિબેટને પોતાનું એક રાજ્ય જાહેર કરી દીધું. તિબેતે એક બફર રાજ્ય તરીકે હમેશા ચીન અને ભારત વચ્ચે એક ભૌગોલિક અંતર જાળવી રાખ્યું હતું જે હવે દૂર થઈ ગયું. તેથી અત્યાર સુધી ભારત અને ચીન વચ્ચે જે થોડી સીમા કાશ્મીર પાસે સ્પર્શતી હતી તે હવે વધીને અત્યારના ઉત્તરાખંડથી લઈને ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તાર સુધી ફેલાઈ ગઈ.
તિબેટ પડાવી લેવાથી સ્પષ્ટ હતું કે ચીનની સીધી અસર હવે ભારત પર થવા લાગી. તિબેટ ચીને પડાવી લીધું તેથી ભારત માટે સુરક્ષાના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. પંડિત નહેરુએ આ બાબતને લઈને કહ્યું કે ભારતે ચીન સાથે મિત્રતા વધારીને જ પોતાની સુરક્ષા કરવી જોઈએ. ચીને તિબેટ પર કબ્જો મેળવી લીધો તેમ છતાં પંડિત નહેરુએ ચીન સાથેના સીમા વિવાદ ઉપર કોઈ બીજી ચર્ચા કરવા ઈચ્છતા ન હતા.
આ ઉપરાંત પંડિત નહેરુ એવું વિચારતા હતા કે જ્યાં સુધી ચીન પોતાના તરફથી સીમા સંબંધિત પ્રશ્ન ન ઉઠાવે ત્યાં સુધી ભારતે કોઈપણ સ્તરે સીમા સંબંધિત ચર્ચા ચીન સાથે કરવાની જરૂર નથી. વર્ષ-1950માં ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે ચીનને લઈને પ્રધાનમંત્રી પંડિત નહેરુને એક કાગળ પણ લખ્યો હતો – ચીને આપણા દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. ચીનની આસામના કેટલા વિસ્તાર પર નજર છે અને આ પ્રશ્નનું તાત્કાલિક સમાધાન કરવું જોઈએ.
મેકમોહન લાઇન
તે સમયનું NEFA (North East Frontier Agency) અને આજના અરુણાચલપ્રદેશની સીમા ચીનને સ્પર્શે છે જે આજે મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે. વર્ષ-1914માં શિમલામાં બ્રિટિશ ઈન્ડિયા દ્વારા ભારત, તિબેટ અને ચીન દ્વારા આ મેકમોહન લાઇન નક્કી કરવામાં આવી હતી. ચીનની સરકાર આ મેકમોહન લાઇનને પરાણે તૈયાર કરેલ સીમા માનતા હતા. તેમ છતાં ભારતની સ્વતંત્રતા પછી આ સીમાને લઈને ચીને કોઈ વિવાદ કર્યો ન હતો.
વર્ષ-1952માં ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇનને લઈને એક બેઠક બોલાવવામાં આવી જેમાં ભારત જાણવા ઇચ્છતું હતું કે ખરેખર ચીનના મનમાં શું ચાલતું હતું. ભારતે ચીન દ્વારા મેકમોહન લાઇન અંગે કોઈ ઉલ્લેખ ન કરવાની વાતને ચીનની સ્વીકૃતિ સમજવાની ભૂલ કરી. મેકમોહન લાઇનને લઈને ચીનને કોઈ વાંધો નથી એવો અર્થ ભારતે કર્યો. 29-એપ્રિલ-1954ના રોજ ભારતે એક સંધિ પર ચીન સાથે હસ્તાક્ષર કર્યા જે પંચશીલ કરાર તરીકે જાણીતા છે. આ કરારમાં શાંતિ અને સાથે સાથે મિત્રતાભર્યા સંબંધો જાળવી રાખવાની વાત કરવામાં આવી.
પંચશીલ કરાર
પંચશીલ શબ્દ એક ઐતિહાસિક બૌદ્ધ અભિલેખમાંથી લેવામાં આવેલ છે. બૌદ્ધ અભિલેખમાં ભિક્ષુકોના વ્યવહાર નક્કી કરવા અંગેના પંચશીલ નિયમો મળે છે. ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ “પંચશીલ” શબ્દ અભિલેખમાંથી જ શોધ્યો હતો. 31-ડિસેમ્બર-1953 અને 29-એપ્રિલ-1954ની બેઠકો પછી ભારત અને ચીને ઉપરોક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા. ઉપરોક્ત કરારમાં નીચેની પાંચ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- એકબીજાની અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.
- એકબીજા પર હુમલો ન કરવો
- એકબીજાની આંતરિક બાબતોમાં દખલ કરવું નહીં.
- સમાન અને પરસ્પર લાભકારી સંબંધ જાળવી રાખવા
- શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ
હવે જોઈએ કે આ કરારમાં એવી તો કઈ બાબતો હતી જેના લીધે આજે પણ પંડિત નહેરુની આલોચના કરવામાં આવે છે. ઉપરોક્ત પંચશીલ કરાર પછી ભારત અને ચીન વચ્ચેની તણાવની સ્થિતિ ખૂબ ઘટી ગઈ અને આ કરારના ભારત ખૂબ જ લાભદાયક સમજી રહ્યું હતું. શરૂઆતમાં આ કરારના ચોતરફ વખાણ સાંભળવા મળતા હતા.
ઉપરોક્ત કરાર પછી હિંદી-ચીની ભાઈ ભાઈ ના સૂત્રો બોલવામાં આવતા હતા. એવું લાગતું હતું જાણે વિશ્વની બે મોટી સંસ્કૃતિઓએ સાથે મળીને એક નવું જ ઉદાહરણ વિશ્વને આપ્યું હતું. પરંતુ આ હિંદી-ચીની ભાઈ ભાઈ સૂત્રો પાછળ ક્યાંક જરૂરી બાબતો દબાઈ ગઈ હતી જેની ખૂબ મોટી કિંમત ભારતે ચૂકવવી પડી. હકીકતમાં પંચશીલ કરાર અંતર્ગત ભારતે તિબેટને ચીનના એક હિસ્સા તરીકે સ્વીકૃતિ આપી દીધી હતી.
વર્ષ-1904ની એંગલો-તિબેટ સંધિ અનુસાર ભારતને તિબેટ સાથે સંબંધ રાખવાના અધિકાર મળેલા હતા. ભારતે પંચશીલ કરાર પછી આ તમામ અધિકાર જતાં કર્યા. આ નિર્ણયના સંદર્ભમાં પંડિત નહેરુનો તર્ક એવો હતો કે વિસ્તારમાં શાંતિને સૌથી વધારે મહત્વ આપીને આપણે ચીન જેવો એક વિશ્વાસપાત્ર મિત્ર મેળવી રહ્યા છીએ.
પંચશીલ કરાર પછી ચીનના પ્રધાનમંત્રી ચાઉ-એન-લાઇ ભારત આવ્યા. ઘણી બધી બાબતો પર ચર્ચા કરવામાં આવી પરંતુ સીમા વિષય પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ત્યાર બાદ પંડિત નહેરુ પણ ચીન ગયા જ્યાં તેમનું ખૂબ ઉમળકા સાથે સ્વાગત કરવામાં આવ્યું.
આ સમય દરમિયાન નવેમ્બર-1956 દરમિયાન એક મોટી ઘટના બની. ચીનના પ્રધાનમંત્રી ચાઉ-એન-લાઇ ભારતના પ્રવાસે હતા ત્યારે જ તિબેટના સૌથી મોટા ધર્મગુરુ દલાઇલામા પણ ભારતમાં આવ્યા હતા. દલાઇ લામા તિબેટમાં ચીનની નીતિઓથી ખૂબ હેરાન-પરેશાન હતા. તેમણે એક મોટું કદમ ઉઠાવ્યું – તેઓ ભારતમાં શરણ લેવા માટે આવ્યા. ત્યારે ભારતના પ્રધાનમંત્રી પંડિત નહેરુએ દલાઇ લામાને શરણ આપવા માટે અસમર્થતા દર્શાવી. દલાઇ લામાને સમજાવીને તિબેટ પરત મોકલી દીધા.
પંડિત નહેરુ તિબેટને લઈને ચીનની મુશ્કેલીઓમાં વધારો કરવા ઇચ્છતા ન હતા પરંતુ બીજી તરફ સપ્ટેમ્બર-1957માં ચીનના સરકારી વર્તમાનપત્ર “People’s Daily”માં એક સમાચાર છપાયા કે ચીનના સિકયાંગથી તિબેટ સુધી જવાનો એક માર્ગ સંપૂર્ણ રીતે બની ગયો છે. આ સમાચાર ભારત માટે એક મોટા આંચકારૂપ સમાચાર હતા.
સિકયાંગથી તિબેટ જતો આ માર્ગ અકસાઈ ચીનમાંથી થઈને જતો હતો. આ એજ વિસ્તાર હતો જેને ભારત પોતાનો માનતો હતો. ચીનની અકસાઈ ચીનને લઈને વાસ્તવમાં શું નિયત છે તે જાણવા માટે પંડિત નહેરુએ ચાઉ-એન-લાઇને એક પત્ર લખ્યો. ચીનના પ્રધાનમંત્રીએ પંડિત નહેરુના આ પત્રનો જવાબ એક મહિના પછી આપ્યો.
ચીને પોતાના જવાબમાં લખ્યું કે ભારત અને ચીન વચ્ચેની સીમાઓ ઔપચારિક રીતે નક્કી કરવામાં આવી નથી અને ચીને સીમા બાબતે કોઈ પ્રશ્ન એટ્લે ન ઉઠાવ્યો કારણે કે ચીન બીજા મહત્વના કામમાં વ્યસ્ત હતું. આ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે ચીનનું ભારત તરફનું વલણ બદલાઈ રહ્યું હતું. ભારત ચીનના આ વર્તનને પૂરી રીતે સમજે તે પહેલા જ આ બધી ઘટનાઓએ એક બીજો જ વળાંક લઈ લીધો.
તિબેટમાં ચીન વિરુદ્ધ બળવો શરૂ થઈ ગયો. દલાઈ લામાને લાગ્યું કે ચીનનું સૈન્ય તેની ધરપકડ કરવા ઈચ્છે છે. તેથી દલાઈ લામા તેના સાથીઓ સાથે તિબેટથી ભાગીને ભારત તરફ આવ્યા. ભારત સરકારે તેમને આવવાની મજૂરી આપી અને 24-એપ્રિલ-1959ના રોજ પંડિત નહેરુ સ્વયં દલાઈ લામાને મસુરીમાં મળવા પણ ગયા. ભારતના પ્રધાનમંત્રી દલાઈ લામાંને મળવા ગયા તે ચીનને પસંદ ન આવ્યું. આ ઉપરાત ભારતે દલાઈ લામાનું જે રીતે સ્વાગત કર્યું તે પણ ચીનને ખૂબ ખૂંચ્યું.
તેથી હવે બંને દેશો વચ્ચે ડિપ્લોમસી ઓછી અને રાજનીતિ વધારે થવા લાગી. પ્રધાનમંત્રી પંડિત નહેરુ ચીન સાથે બગાડતા સંબંધોને વધારે જાહેર કરવા ઇચ્છતા ન હતા અને આ બાબતને લઈને સંસદમાં ચર્ચા કરવા ઈચ્છતા ન હતા. બીજા સાંસદોએ નહેરુ પર ચીન સાથેના સંબંધોની માહિતી છુપાવાનો આરોપ પણ કર્યો.
1962નું યુદ્ધ
પંચશીલ કરાર 8 વર્ષ માટે હતા. તેથી જેવા 8 વર્ષ પૂરા થયા તે પછી તરત જ ચીને ભારત પર આક્રમણ કર્યું જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો.
જો કે પંચશીલ કરાર આજે પણ મૌખિક રીતે અસ્તિત્વ અને અમલમાં છે પરંતુ પંચશીલ કરારની આત્મા 1962ના યુદ્ધ પછી મરી ગઈ છે.